રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પુરૂં થવા પૂર્વે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી આકર્ષક વેલ્યુએશને ખરીદદાર બની જતાં ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી.
અમેરિકા દ્વારા ૨, એપ્રિલથી આયાત પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની તૈયારીઓ વચ્ચે અમેરિકાના સરકારી અધિકારીઓ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં પૂર્વે ભારતની મુલાકાતે આવી રહ્યાના અહેવાલોએ લોકલ ફંડોએ સાવચેતી અપનાવ્યા સામે વિદેશી ફંડોનું વેલ્યુબાઈંગ યથાવત રહેતા ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ફેબ્રુઆરી માસમાં મોટા પાયે વેચવાલીથી ઘણી કંપનીઓને તેમની લિસ્ટિંગ યોજનાઓ મુલતવી રાખતા માર્ચ માસ એક પણ આઈપીઓ બજારમાં આવ્યો ન હતો, જો કે માર્ચ માસના અંતે ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો અને જો સુધારો ચાલુ રહેશે, તો એપ્રિલ માસમાં આઈપીઓ જોવા મળી શકે છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રથમ બે મહિનામાં ફક્ત ૯ આઈપીઓ આવ્યા હતા જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં અંદાજીત ૨૨ કંપનીઓએ આઈપીઓ લોન્ચ કર્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૪માં સેન્સેક્સ અને નિફ્ટી તેમના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા પછી શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો હતો, જેના કારણે કંપનીઓએ ઇશ્યૂ બહાર પાડવાનું ટાળ્યું હતું.
જુલાઈ – સપ્ટેમ્બર અને ઓક્ટોબર – ડિસેમ્બર ક્વાર્ટરમાં નરમ કોર્પોરેટ કમાણી અને વૈશ્વિક પડકારોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડયું છે. આનાથી ઈક્વિટી અને પ્રાયમરી બંને બજાર પર અસર પડી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરવામાં આવેલા વેચાણથી બજારમાં ઘટાડો વધુ લંબાયો હતો. છેલ્લા ૬ મહિનામાંથી પ મહિના સુધી તે ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. નવેમ્બર ૨૦૨૪ માં ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી, યુએસ નીતિઓમાં ફેરફાર અને ડોલરના મજબૂત થવાની ચિંતાને કારણે વિદેશી રોકાણકારોએ ભારત જેવા ઉભરતા બજારોમાંથી તેમના રોકાણો પાછુ ખેંચી રહ્યા છે.
ઓક્ટોબર-ડિસેમ્બરમાં, નિફ્ટી ૮.૪%, નિફ્ટી મિડકેપ ૪.૯% અને સ્મોલકેપ ૨.૨% ઘટયો હતો. જોકે, જાન્યુઆરી – માર્ચ ૨૦૨૫ દરમિયાન, નિફ્ટી મિડકેપમાં ૯% અને સ્મોલકેપમાં ૧૫%નો ઘટાડો થયો હતો. આઈપીઓ લાવનારી મોટાભાગની કંપનીઓ મિડ અને સ્મોલકેપ સેગમેન્ટમાં આવે છે. ગત સપ્તાહે, બજારમાં સુધારા વચ્ચે, નિફ્ટી ૪.૨%, નિફ્ટી મિડકેપ ૭.૭% અને સ્મોલકેપ ૮% વધ્યા હતા. આમ છતાં બેંકરોનું વલણ હજુ પણ સાવધ છે.
મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં રૂ.૨૮૬૩૩.૧૫ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી તેમજ ૨૭ માર્ચ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૯૯૩૯.૧૯ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુન ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૭.૪૭ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી તેમજ ૨૭ માર્ચ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૬૩૬૭.૦૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, આગામી નાણાં વર્ષમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની છ બેઠકો મળનાર છે. પ્રથમ બેઠક ૭-૯ એપ્રિલે મળી રહી છે. આ બેઠકમાં રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરી સંપૂર્ણ નાણાં વર્ષ દરમિયાન કુલ ૦.૭૫%નો ઘટાડો આવવાની શકયતા છે. જો કે અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની દેશના અર્થતંત્ર પર કોઈ મોટી અસર જોવા મળશે તો રિઝર્વ બેન્ક નાણાં નીતિને વધુ હળવી બનાવે તેવી શકયતા નકારાતી નથી. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી મે ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ના ગાળામાં એકંદર ૨૫૦ બેઝિસ પોઈન્ટ વધારી વ્યાજ દર ૬.૫૦% કરાયા હતા. ફુગાવો નરમ પડતા વર્તમાન નાણાં વર્ષની ફેબ્રુઆરીમાં યોજાઈ ગયેલી અંતિમ બેઠકમાં રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરાયો હતો.
વૈશ્વિક મોરચે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલતા અને અમેરિકાની રશિયાને યુક્રેન મામલે મનાવવાના પ્રયાસમાં હજુ પૂરી સફળતા મળી નહીં હોવાથી અને ઈઝરાયેલ-હમાસ યુદ્વ ફરી વકરતાં જીઓપોલિટીકલ ટેન્શનને લઈ યુરોપ, એશીયાના અન્ય દેશોના બજારોમાં નરમાઈ જોવાઈ હતી. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા હજુ કાયમ રહેતા અને ૨, એપ્રિલના ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પર વિશ્વની સાથે ભારત પર અસર શું થશે એના પર નજર હોઈ વૈશ્વિક બજારોમાં હજુ અફડાતફડી જોવાઈ શકે છે ત્યારે વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)સિપ્લા લિમિટેડ (૧૪૪૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ આ ફયુચર સ્ટોક રૂા.૧૪૦૪ ના સપોર્ટથી ખરીદવાલાયક…!! ફાર્મા સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૪૭૪ થી રૂા.૧૪૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(ર) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૮૨) : આ સ્ટોક રૂા.૧૨૩૩ નો પ્રથમ અને રૂા.૧૨૧૭ નો બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૧૨૯૭ થી રૂા.૧૩૦૮ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!
(૩) અદાણી પોર્ટસ (૧૧૮૮) : ૪૦૦ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૧૬૦ પ્રથમ તેમજ રૂા.૧૧૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૧૨૦૨ થી રૂા.૧૨૨૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!
(૪)સન ફાર્મા (૧૭૩૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૭૭૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૭૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૭૦૭ થી રૂા.૧૬૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૮૦૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
(પ)હેવેલ્સ ઇન્ડિયા (૧૫૩૧) : રૂા.૧૫૬૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૧૫૭૭ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૫૦૩ થી રૂા.૧૪૮૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૬)ડૉ. રેડ્ડીઝ લેબોરેટીઝ (૧૧૨૯) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૧૧૭૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૧૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૧૦૩ થી રૂા.૧૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૨૦૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) જ્યુપિટર વેગન્સ (૩૬૭) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૮૩ થી રૂ.૩૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨) મોઈલ લિ. (૩૧૭) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૯૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૪૪ થી રૂ.૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ઓનવર્ડ ટેક્નોલોજી (૨૫૦) : રૂ.૨૩૭ નો પ્રથમ તેમજ રૂ.૨૨૬ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૬૭ થી રૂ.૨૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪) મહિન્દ્રા લોજિસ્ટિક્સ (૨૬૦) : લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૭ થી રૂ.૨૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!
(૫) એનએલસી ઈન્ડિયા (૨૩૬) : રૂ.૨૨૮ નો પ્રથમ તેમજ રૂ.૨૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૮ થી રૂ.૨૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬) પિરામલ ફાર્મા (૨૧૪) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૦૨ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) હૈડલબર્ગ સિમેન્ટ (૧૯૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૭૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટૂંકા ગાળે અંદાજીત રૂ.૨૦૩ થી રૂ.૨૧૩ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮) આઈનોક્સ વિન્ડ (૧૫૬) : ટેકનીકલ ચાર્ટ મુજબ હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપ્મેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪ આસપાસ રોકાણકારે રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૭ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) SJVN લિ. (૯૦) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ. ૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
(૨) SBFC ફાઈનાન્સ (૮૩) : ડિલેવરીબેઇઝ રોકાણકારે નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનાં આ સ્ટોકને ૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવા-લાયક…!! ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૨ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
(૩) NHPC લિ. (૮૦) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩ નો પ્રથમ તેમજ રૂ.૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૯૩ થી રૂ.૧૦૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૬૧) : રૂ.૫૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૭ થી રૂ.૭૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
ઉત્પાદન તથા સેવા ક્ષેત્ર પ્રવૃત્તિમાં પ્રારંભિક અંદાજમાં ધીમી ગતિએ વધારો…!!
વર્તમાન મહિનામાં દેશના ઉત્પાદન તથા સેવા ક્ષેત્રને આવરી લેતી એકંદર વેપાર પ્રવૃત્તિમાં પ્રારંભિક અંદાજમાં વધારો ધીમી ગતિએ જોવા મળી રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં ગતિશીલતા જોવા મળી રહી છે પરંતુ સેવા ક્ષેત્રમાં કામકાજમાં ધીમો વધારો થઈ રહ્યો છે.જેને પરિણામે એસએન્ડપી ગ્લોબલદ્વારા એકત્રિત કરાયેલો એચએસબીસી ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક સંયુકત પરચેઝિંગ મેનેજર્સઈન્ડેકસ (પીએમઆઈ) ૫૮.૬૦ જોવા મળ્યો છે, જે ફેબ્રુઆરીમાં ૫૮.૮૦ હતો. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે.
દેશની ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિ વર્તમાન નાણાં વર્ષમાં પ્રોત્સાહક રહી હોવાનુંપીએમઆઈ પરથી કહી શકાય એમ છે. કાચા માલના ખર્ચમાં વધારો થયો છે પરંતુ માલસામાન તથા સેવા પેટેના દરમાં વધારો ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૪-૨૫માં નવા વેપાર મેળવવાની સ્થિતિ પણ મજબૂત રહી છે.ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૭.૬૦ રહ્યો છે. જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૭.૭૦ આવ્યો છે. ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ફેબ્રુઆરીના અંતિમ પીએમઆઈ કરતા ઊંચો રહ્યો છે જ્યારે સેવા ક્ષેત્રનો માર્ચનોપ્રારંભિક પીએમઆઈ ફેબ્રુઆરીના આખરી આંક કરતા નીચો રહ્યો છે.
માર્ચમાં સતત ૪૪માં મહિને પ્રારંભિક સંયુકત પીએમઆઈ ૫૦થી ઉપર જળવાઈ રહ્યો છે. ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચમાં પ્રારંભિક સંયુકત પીએમઆઈ ભલે નબળો પડયો હોય પરંતુ લાંબા ગાળાની સરેરાશ કરતા તે ઘણો ઊંચો હોવાનું પણસર્વે રિપોર્ટમાં જણાવાયું છે. નવા ઓર્ડર, રોજગાર, ડિલિવરીની સ્થિતિ તથા ઈન્વેન્ટરી સહિત કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લઈ પીએમઆઈ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. કામકાજની સ્થિતિમાં પણ સુધારો થયાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
નબળા સેન્ટિમેન્ટને કારણે બજાર વોલ્યુમ અને માર્જિન ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં સતત ઘટાડો…!!
શેરબજારમાં નબળા સેન્ટિમેન્ટને કારણે છેલ્લા નવ મહિનામાં રોકડ (કેશ) બજાર વોલ્યુમ અને માર્જિન ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં સતત ઘટાડો થયો છે. કેશ માર્કેટ વોલ્યુમ જૂન,૨૦૨૪માં તેની રેકોર્ડ ટોચેથી ૪૫% ઘટયું છે. જ્યારે રોકાણકારો દ્વારા શેર ખરીદવા માટે ઉપયોગમાં લેવાતા માર્જિન એકાઉન્ટ્સ સપ્ટેમ્બર,૨૦૨૪ની ઐતિહાસિક ટોચેથી ૧૬% ઘટયા છે.માર્ચ મહિનામાં શેરબજારમાં મસમોટા ધબડકા બાદ આવેલ રિકવરી છતાં કેશ માર્કેટમાં એવરેજ દૈનિક ટર્નઓવર માસિક ધોરણે ૩% ઘટયું છે.
સતત ત્રીજા મહિને તેમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્લેષકોના મતે આ ઘટાડા માટે ટ્રેડરોના નબળા પડેલા મનોબળ અને નિયમનકારી ફેરફારો જવાબદાર છે. તેના કારણે ઓપ્શન પ્રીમિયમનું પ્રમાણ પણ ઘટયું છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે માર્જિન એકાઉન્ટ્સમાં ઘટાડો અને લીવરેજમાં ઘટાડો બજારની લિક્વિડિટી અને રોકાણકારોની ભાગીદારી અંગે ચિંતા વધારી શકે છે. માર્ચના પહેલા બે અઠવાડિયામાં એનએસઈ પર કેશના વેપારમાં ઘટાડો ચાલુ રહ્યો અને સરેરાશ દૈનિક વેપાર વોલ્યુમ (એડીટીવી)માં ૫.૭% નો ઘટાડો થયો છે,જ્યારે બીએસઈ પર વોલ્યુમ સ્થિર રહ્યું છે તેમ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના એક અહેવાલમાં જણાવાયું છે.
રેગ્યુલેટરી નિયમો અમલમાં આવ્યા તે પહેલાં જ ઓપ્શન પ્રીમિયમમાં ઘટાડો શરુ થઈ ગયો હતો. આ સાથે,નવા ડીમેટ ખાતાઓમાં ઘટાડો થયો અને એક્ટિવ ટ્રેડર્સની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ફેબ્રુઆરીની સરખામણીમાં આ મહિને ટ્રેડરો શેર-સિક્યોરિટી ખરીદવા બ્રોકર્સ પાસેથી જે માધ્યમથી પૈસા ઉધાર લે છે તે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (એમટીએફ)માં પણ ૩%થી વધુનો ઘટાડો નોંધાયો છે.
દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં ૧૧% જ્યારે થાપણમાં ૧૦%થી વધુની વૃદ્ધિ…!!
સાત માર્ચના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ૧૧.૧૦ ટકા ધિરાણ વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૧૦.૨૦ ટકા રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. આમ થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચે ૯૦ બેઝિસ પોઈન્ટનું અંતર છે.છેલ્લા લાંબા સમયથી ધિરાણ તથા થાપણ વૃદ્ધિ વચ્ચે અંતર રહેતું હોવાથી બેન્કોએ પોતાની લિક્વિડિટીની આવશ્યકતા પૂરી કરવા કમર્સિઅલ ડિપોઝિટસ (સીડી) જેવા ઋણ સાધનોનો ઉપયોગ કરવો પડે છે.સમીક્ષા હેઠળના પખવાડિયામાં બેન્કોમાં થાપણ આંકમાં રુપિયા ૨,૨૯,૨૪૪ કરોડનો વધારો થયો હતો જ્યારે ધિરાણમાં રૂપિયા ૧,૪૨,૯૭૨ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. સાત માર્ચના સપ્તાહમાં પગાર તારીખ પડતી હોવાથી થાપણમાં વધારો થવામાં મદદ મળી છે. બેન્કિંગ વ્યવસ્થામાં સાત માર્ચના અંતે બાકી પડેલી થાપણનો આંક રુપિયા ૨૨૫૧૦૧૨૩ કરોડ રહ્યો હતો જ્યારે બાકી પડેલી ધિરાણનો આંક રુપિયા ૧૮૧૨૮૫૮૨ કરોડ રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.રિઝર્વ બેન્ક દ્વારા બેન્કો માટે રિસ્ક વેઈટ ધોરણમાં ઘટાડો કરાતા આગામી દિવસોમાં ધિરાણમાં વૃદ્ધિ જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચે વધી રહેલા અંતરને પરિણામે દેશની બેન્કોએ તેમના ફન્ડિંગની આવશ્યકતા માટેસીડીપર આધાર રાખવો પડે છે.વર્તમાન નાણાં વર્ષના ૭ માર્ચ સુધી પ્રાઈમરી માર્કેટમાં કુલ રુપિયા ૧૦.૫૮ લાખ કરોડના સીડી જારી કરાયા છે,જે અત્યારસુધીનો વિક્રમી આંક છે. સીડી મારફત ભંડોળ ઊભા કરવામાં ધસારાને પરિણામે નાની બેન્કોના સીડી પરના વ્યાજ દર આઠ ટકા જેટલા ઊંચા બોલાઈ રહ્યા હોવાનું પણ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.
આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વેપારના ગ્રોથમાં ભારતનું ૬% યોગદાનનું અનુમાન…!!
વિશ્વભરમાં ભૌગોલિક-રાજકીય તણાવ અને ટ્રેડ પોલિસીની અનિશ્ચિતતાઓ છતાં વૈશ્વિક વેપારમાં ગ્રોથ યથાવત રહેશે. ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસ અને જર્મન લોજિસ્ટિક્સ બ્રાન્ડ ડીએચએલ દ્વારા સંયુક્તપણે પ્રકાશિત ઉઇંક ટ્રેડ એટલસ ૨૦૨૫ રિપોર્ટ અનુસાર, ભારતનું આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વેપારના ગ્રોથમાં ૬% યોગદાન રહેશે. વિશ્વભરના ૨૦૦ દેશો અને ક્ષેત્રોની બિઝનેસ પેટર્નનું વિશ્લેષણ કરાયું છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા માર્ચ ૨૦૨૫માં જારી આંકડાઓ અનુસાર, એપ્રિલ-ફેબ્રુઆરી ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ નિકાસ (વસ્તુ અને સેવા) ૭૫૦.૫૩ અબજ (૬૪ લાખ કરોડ રુપિયા) રહેવાનું અનુમાન છે. ગત નાણાવર્ષ દરમિયાન આ આંકડો ૬૦ લાખ કરોડ રૂપિયા હતો. તેમાં વાર્ષિક આધાર પર ૬.૨૪%નો અંદાજિત વધારો છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારતના વેપારમાં ઝડપી વૃદ્ધિ તેની ઝડપી મેક્રો ઇકોનોમિક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની વધતી ભાગીદારી બંનેને દર્શાવે છે. જ્યારે ચીનને ઘણીવાર ભારત કરતાં વધુ વેપારલક્ષી અર્થતંત્ર તરીકે જોવામાં આવે છે. ૨૦૨૩ માં ૠઉઙ અને ચીજવસ્તુઓના વેપારનો ગુણોત્તર ચીનની લગભગ સમાન હતો.
માલસામાન અને સેવાઓ બંનેના વેપારને ધ્યાનમાં લેતાં ભારતની વેપારની તીવ્રતા ચીન કરતાં વધુ હતી. રિપોર્ટ અનુસાર વૈશ્વિક વેપારના વિસ્તરણમાં ભારત ચીન અને અમેરિકા બાદ ત્રીજા ક્રમે હશે. ગ્લોબલ ટ્રેડ ગ્રોથમાં ચીનનું યોગદાન ૧૨% અને અમેરિકાનું ૧૦% રહેવાનું અનુમાન છે. ભારતે અન્ય મોટા અર્થતંત્રની તુલનામાં પોતાના વેપાર ગ્રોથમાં તેજી દર્શાવી છે. આ જ કારણ છે કે વેપારના આકારમાં વધારાના મામલે તે ત્રીજા સ્થાને રહી શકે છે. જ્યારે ટ્રેડ ગ્રોથની ઝડપના મામલે પણ ભારત ૩૨માં સ્થાનથી ઉપર હવે ૧૭માં સ્થાને પહોંચે તેવી આશા છે.