સતત બીજી ICC ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું

Share:

Lahore,તા.27
ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગ્રુપ બીની મેચો તથા સેમી ફાઈનલની ચેસનાં સમીકરણો વધુ રોમાંચક બનવા લાગ્યા છે. કરો યા મરો મુકાબલામાં અપસેટ સર્જાયો હોય તેમ અફઘાનીસ્તાને ઈંગ્લેન્ડને 8 વિકેટે પરાજીત કરી હતી. સતત બીજી આઈસીસી ટુર્નામેન્ટમાં અફઘાનીસ્તાન સામે ઈંગ્લેન્ડ પરાજીત થયુ હતું. અફઘાનીસ્તાનને હજુ સેમી ફાઈનલમાં પ્રવેશવાની તક છે જયારે ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું હતું.

ટુર્નામેન્ટની સેમી ફાઈનલ રેસમાં ટકી રહેવા માટેના નિર્ણાયક મુકાબલામાં અફઘાનીસ્તાને પ્રથમ દાવમાં ઉતરીને નિર્ધારીત 50 ઓવરમાં સાત વિકેટે 325 રન ખડકયા હતા. ઓપનર ઈબ્રાહીમ જાદરાને 146 દડામાં 6 છગ્ગા અને 12 ચોગ્ગા સાથે 177 રન ઝુડતા અફઘાનીસ્તાને મોટો જુમલો બનાવ્યો હતો.

અફઘાનીસ્તાન વતી સદી ઝૂડનાર જાદરાન પહેલો ખેલાડી બન્યો હતો. ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી મોટો વ્યકિતગત સ્કોર પણ તેના નામે થયો હતો. માત્ર 37 રનમાં 3 વિકેટ ગુમાવી દીધા બાદ અફઘાનીસ્તાને જાદરાનની આક્રમક રમત તથા હશમતુલ્લાહ ઓમરજાઈ તથા નબી સાથેની ભાગીદારીનાં સહારે કમબેક કર્યું હતું.

326 રનના વિજય લક્ષ્યાંક સાથે મેદાને પડેલી ઈંગ્લેન્ડની વિકેટો નિયમીત અંતરે પડવા લાગતા જો રૂટની સદી પણ કામમાં આવી ન હતી. રૂટે 120 રન ઝૂડયા હતા. પરંતુ મહત્વની અંતિમ ઓવરોમાં જ તે આઉટ થઈ જતાં ઈંગ્લેન્ડ મુશ્કેલીમાં મુકાયુ હતું.

એર્વોટોન-આર્ચર જેવા ખેલાડીઓ મોટા શોટ ફટકારવાનાં પ્રયાસમાં આઉટ થઈ ગયા હતા. બ્રુક 25, બટલર 38, ડકેટ 38 રને આઉટ થયા હતા. આખી ટીમ 317 રનમાં ઓલઆઉટ થતા અફઘાનીસ્તાનનો 8 વિકેટ વિજય થયો હતો.

અફઘાનીસ્તાન વતી ઓમરજાઈએ પાંચ વિકેટો ખેડવીને ઈંગ્લેન્ડની કમ્મર તોડી નાંખી હતી. ફારૂકી, રશીદખાન તથા ગુલબદીનને 1-1 વિકેટ તથા નબીને 2 વિકેટ મળી હતી.

ટુર્નામેન્ટમાં અફઘાનીસ્તાનને હવે સેમીફાઈનલ પહોંચવાની તક છે. અને હવે તેનો અંતિમ મુકાબલો નિર્ણાયક રહેશે. ઓસ્ટ્રેલીયા સામે તેની ટકકર થશે.ઈંગ્લેન્ડ વતી જો રૂટે સદી ફટકારી હતી.તેના આધારસ્તંભ બેટર જો રૂટે 120 રન બનાવ્યા હતા. 2083 દિવસ બાદ-37 મેચ પછી રૂટે સદી ફટકારી હતી. છેલ્લે તેણે 14 જુન 2019 ના રોજ વેસ્ટ ઈન્ડીઝ સામે સદી નોંધાવી હતી.

અફઘાનીસ્તાન વતી 177 રન ફટકારનાર ઈબ્રાહીમ જાદરાને વર્ષો જુનો કપિલદેવનો રેકોર્ડ તોડયો હતો.આઈસીસી ટુર્નામેન્ટમાં સૌથી ઓછી ઉંમરમાં 150 થી વધુ રન કરવાનો રેકોર્ડ હવે જાદરાનના નામે થયો છે. તેણે 23 વર્ષ 76 દિવસની ઉંમરે આ રેકોર્ડ કર્યો છે.અગાઉ કપિલે 24 વર્ષ 163 દિવસની ઉંમરે 150 થી વધુ રન કર્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં નવા-નવા રેકોર્ડ સર્જાય રહ્યા છે. હવે સદીનો રેકોર્ડ સર્જાયો છે. તમામ મેચોમાં એક કે એકથી વધુ સદી લાગી છે અને અત્યાર સુધીમાં તમામ મેચોમાં કુલ 11 સેન્ચ્યુરી થઈ છે. જે એક રેકોર્ડ છે.આ પૂર્વે 2017 તથા 2002 ની આખી ટુર્નામેન્ટમાં 10 સદી લાગી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *