કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે આપણા પીએમ શું કહે છે, તે એક વ્યક્તિગત મામલો છે અને અમે તેની ચર્ચા કરતા નથી!
Rae Bareli, તા.૨૨
અદાણી વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની તાજેતરની મુલાકાત દરમિયાન કરેલી ટીપ્પણીના મુદ્દે વડાપ્રધાન પર પ્રહાર કરતાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે તે કોઇ વ્યક્તિગત નથી, પરંતુ દેશ સાથે જોડાયેલો મુદ્દો છે. પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલીની મુલાકાતના બીજા દિવસે લાલગંજ વિસ્તારમાં એક કાર્યક્રમમાં યુવાનોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાની મુલાકાત દરમિયાન અદાણી વિવાદ અંગેના સવાલના જવાબમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તે વ્યક્તિગત મુદ્દો છે અને વિશ્વના બે નેતાઓની મુલાકાત દરમિયાન આવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવતી નથી.રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે પીએમ મોદીએ અમેરિકન મીડિયાને કહ્યું હતું કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેમના મિત્ર છે અને તેઓ ટ્રમ્પને તેમના વિશે કંઈ પૂછશે નહીં. અદાણી સામે અમેરિકામાં ભ્રષ્ટાચાર અને ચોરીનો કેસ પેન્ડિંગ હતો. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે આપણા પીએમ શું કહે છે, તે એક વ્યક્તિગત મામલો છે અને અમે તેની ચર્ચા કરતા નથી! જો તેઓ ખરેખર ભારતના વડાપ્રધાન હોત, તો તેમણે ટ્રમ્પને આ બાબત વિશે પૂછ્યું હોત અને તેમને કહ્યું હોત કે તેઓ અદાણીની પૂછપરછ કરશે અને જો જરૂર પડશે તો તેમને (યુએસ) તપાસ માટે મોકલશે. પરંતુ ના, તેમણે કહ્યું કે તે વ્યક્તિગત બાબત છે. ૧૪ ફેબ્રુઆરીએ પીએમ મોદીએ કહ્યું હતું કે યુએસ સરકારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે મૂકેલા લાંચના આરોપો અંગે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથેની બેઠકમાં કોઇ ચર્ચા થઈ ન હતી. વ્હાઇટ હાઉસ ખાતે પ્રેસ બ્રીફિંગમાં મોદીને સવાલ કરાયો હતો કે તેમણે ટ્રમ્પ સાથેની બેઠકમાં ગૌતમ અદાણી અને તેમના સહયોગી સામેના આરોપોનો મુદ્દો ઉઠાવ્યો હતો કે નહીં.