Surat: અડાજણનો બિલ્ડર કારમાં 52.770 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયો

Share:

Surat,તા.07

સુરત શહેર એસઓજીએ ગતરાત્રે જહાંગીરપુરા સાયણ રોડ વરીયાવ જંકશન સર્કલ પાસેથી એક કારમાં અમરોલી તરફ જતા અડાજણના બિલ્ડરને 52.770 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી પાડી તેની પાસેથી ડ્રગ્સ, કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.20.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.દોઢ વર્ષથી નશો કરવા મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સેવન કરતો બિલ્ડર ભરત કળથીયા બાદમાં છૂટક વેચવા પણ લાગ્યો હતો.એસઓજીએ તેને થોડા દિવસ અગાઉ સુરત આવી ડ્રગ્સ આપી જનાર મુંબઈના મહારાજ નામે ડ્રગ્સ સપ્લાય કરતા મુસ્લિમ યુવાનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાને મળેલી બાતમીના આધારે સુરત શહેર એસઓજીએ ગતરાત્રે જહાંગીરપુરા સાયણ રોડ વરીયાવ જંકશન સર્કલ પાસે વોચ ગોઠવી જહાંગીરપુરાથી અમરોલી તરફ જતી કાર ( નં.જીજે-05-આરઝેડ-6994 ) ને અટકાવી ચાલક ભરતભાઈ ભગવાનભાઈ પટેલ ( કળથીયા ) ( ઉ.વ.48, રહે.ફ્લેટ નં.404, બિલ્ડીંગ નં.બી-3, અક્ષયજયોત એપાર્ટમેન્ટ, ભૂલકા ભવન સ્કુલની બાજુમાં, અડાજણ, સુરત. મૂળ રહે.નાંગલપરનો દરવાજો, બોટાદ ) ની જડતી લેતા તેના પેન્ટના જમણા ખિસ્સામાંથી રૂ.5,27,700 ની કિંમતનું 52.770 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું હતું.વ્યવસાયે બિલ્ડર ભરતભાઈ પાસેથી એસઓજીએ ડ્રગ્સ ઉપરાંત રૂ.15 લાખની મત્તાની કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.20,37,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અડાજણનો બિલ્ડર કારમાં 52.770 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયો 2 - image

એસઓજીએ તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને છેલ્લા દોઢ વર્ષથી ડ્રગ્સની લત લાગી છે અને તે માટે તે મુંબઈથી ડ્રગ્સ લાવતો હતો.બાદમાં તેણે ડ્રગ્સનું છૂટક વેચાણ પર શરૂ કર્યું હતું.છેલ્લા કેટલાક સમયથી તે મુંબઈના મહારાજ નામ ધરાવતા મુસ્લિમ યુવાન પાસેથી ડ્રગ્સ લાવે છે અને થોડા દિવસ અગાઉ તેની પાસે જથ્થો મંગાવતા તે સુરત આવીને આપી ગયો હતો.આ અંગે એસઓજીએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી મહારાજ નામધારી ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વધુ તપાસ એસઓજી પીઆઈ એ.પી.ચૌધરી કરી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *