સગીરાને ઘરે આવી ડરાવી ધમકાવી વારંવાર દેહ અભડાવ્યો: મોડી ફરિયાદ કરવાથી ખોટી ફરિયાદ છે તેમ માની ન શકાય: ફરિયાદપક્ષના વકીલની દલીલ
Rajkot,તા.04
15 વર્ષની તરૂણીને ધમકાવી તેના પર દુષ્કર્મ આચરવાના ગુનામાં દૂધ સાગર રોડ પર શ્યામનગર શેરી નંબર 3 પાસે રહેતા આરોપી વિજય ઘુસાભાઇ ડાંગરને સ્પેશિયલ પોકસો કોર્ટે આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ, રાજકોટમાં આરોપીના જ ઘર પાસે રહેતી 15 વર્ષની બાળકીએ તેની માતાને ફોન કરી ઘરે આવવા જણાવ્યું હતું બાદમાં તેણે માતાને કહ્યું હતું કે, લતામાં રહેતો વિજય ઘુસાભાઈ ડાંગર આજથી આશરે છ એક મહિના પહેલા તમે કોઈ ઘરે ન હતા ત્યારે મને એક ચિઠ્ઠી આપેલ અને ફોન કરવાનું કહેલ અને જો ફોન ન કરું તો મને બદનામ કરી નાખશે તેવી ધમકી આપેલ અને ત્યારબાદ એક દિવસ બપોરે અચાનક આ વિજય ડાંગર આપણા ઘરે આવેલ અને મને પકડી ઘરના ઉપરના રૂમમાં લઈ ગયેલ અને મારા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જો આ વાત હું કોઈને કરીશ તો મને તથા મારા પરિવારને બદનામ કરીને મારી નાખશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરીથી ઘરે કોઈ ન હોય ત્યારે આ વિજય ડાંગર વારંવાર ઘરે આવતો અને મારી સાથે બળજબરીથી દુષ્કર્મ કરતો હતો.
જે અંગે થોરળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ચાર્જશીટ કર્યું હતું. આ કેસ ચાલવા પર આવતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે ફરિયાદી એ જે ફરિયાદ આપેલ તે મોડી આપેલ છે અને મોડી ફરિયાદ કેવા કારણોથી મોડી આપેલ તેનું કારણ તેની ફરિયાદમાં જણાવેલ નથી. જયારે સરકાર તરફે એવી રજૂઆત કરેલ કે મોડી ફરિયાદ કરવાથી ખોટી ફરિયાદ છે તેમ માની ન શકાય. આરોપીએ જયારે ૧૫વર્ષની તરૂણીને બદનામ કરી પરિવારને જાનથી મારવાની ધમકી આપેલ હોય તેવા કારણેથી મોડી ફરિયાદ કરી હતી.જે મતલબ ની રજૂઆત કરેલ.
બને પક્ષની દલીલો ધ્યાને લઈ ને સ્પે.પોક્સો કોર્ટે આરોપી વિજય ઘુસાભાઈ ડાંગરને તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને ૫૦,૦૦૦ નો દંડ ભરવા હુકમ કર્યો છે.આ કેસમાં મૂળ ફરિયાદી વતી રાજકોટના યુવા વકીલ કલ્પેશ એલ.સાકરિયા રોકાયા હતાં.જયારે સરકાર તરફે સરકારી વકીલ અતુલ.એચ.જોશી, તથા આબીદ એ.સોશને દલીલો કરી હતી.