સ્કોટલેન્ડના ઝડપી બોલર ચાર્લી કેસલે સોમવારે ડેબ્યૂ મેચમાં વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો. પોતાના કારકિર્દીની પહેલી જ મેચમાં આ બોલરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને મેચમાં એટલી બધી વિકેટ લીધી જે પહેલા કોઈ નથી લઈ શક્યું. કેસલે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2ની ઓમાન સામેની મેચમાં 5.4 ઓવરમાં 21 રન આપીને 7 વિકેટ લીધી હતી. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી
કેસલે પોતાની કારકિર્દીના પહેલા જ બોલ પર ઓમાનના ભૂતપૂર્વ કેપ્ટન જીશાન મસૂદને એલબીડબલ્યુ આઉટ કરીને ધમાકો કર્યો હતો. ત્યારબાદ બીજા જ બોલ પર અયાન ખાનને બોલ્ડ કર્યો હતો. વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ બોલરે તેના પહેલા બે બોલમાં બે વિકેટ લીધી હોય તેવો આ પહેલો કિસ્સો હતો. આ ઓવરના ચોથા બોલ પર તેણે ફરીથી વિકેટ લીધી હતી. કેસલે તેની પહેલી ઓવરમાં કુલ 3 વિકેટ ઝડપી હતી અને એક પણ રન આપ્યો ન હતો. ત્યારબાદ 18મી ઓવરમાં મેહરાન ખાનને આઉટ કરીને પાંચ વિકેટ પૂરી કરતાની સાથે તે એવા 15 ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો કે જેમણે મેન્સ વનડે ડેબ્યૂમાં પાંચ વિકેટ લીધી છે. આ ઉપરાંત પણ તેણે ઓમાનના નીચલા ક્રમના બેટરોને ફટાફટ પવેલિયન ભેગા કરી દીધા હતા. પોતાની પહેલી વનડે મેચમાં કેસલે માત્ર 21 રન આપીને 7 વિકેટ ઝડપી હતી.
દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડાનો રેકોર્ડ તોડ્યો
વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ બોલર દ્વારા ડેબ્યૂ વખતે ચાર્લી કેસલનું આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. અગાઉ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડાના નામે હતો. જેણે 2015માં બાંગ્લાદેશ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં 6 વિકેટ ઝડપી હતી. ત્યારે રબાડાએ 16 રન આપીને 6 વિકેટ લીધી હતી.