Zimbabwe,તા.30
ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમ એકમાત્ર ટેસ્ટ મેચ રમવા માટે આયર્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વે ટીમને ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. ઝિમ્બાબ્વેના એક ફિલ્ડરે ચાર રન બચાવવાના પ્રયાસમાં પાંચ રન આપી દીધા હતા.
રિચર્ડ એનગવારા 18મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો, તેના પહેલા જ બોલ પર ટકરે સિંગલ લીધો હતો. ત્યારબાદ આગામી બોલ પર મેકબ્રાયને કવર તરફ શોટ માર્યો હતો. ઝિમ્બાબ્વેનો ફિલ્ડર બાઉન્ડ્રી રોકવાનો પુરતો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો અને તેણે બૉલને બાઉન્ડ્રીની બહાર જતા રોકી પણ લીધો હતો પરંતુ ફિલ્ડરે ચોગ્ગો તો બચાવી લીધો હતો, પરંતુ પોતાના પર કંટ્રોલ ન રાખતાં તે બાઉન્ડ્રીની બહાર લાગેલા હોર્ડિંગ્સથી પણ આગળ પહોંચી ગયો હતો. તે પાછો આવી બોલ પકડી વિકેટકીપરને બોલ પાછો ફેંકે તેટલી વારમાં જ મેકબ્રાયન અને ટકરે દોડીને પાંચ રન બનાવી લીધા હતા.
આ સમગ્ર ઘટનાનો વિડીયો આયર્લેન્ડે ક્રિકેટે પણ શેર કર્યો છે. આ વિડીયો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે કે, ઝિમ્બાબ્વેના ફિલ્ડરે બોલને બાઉન્ડ્રીની બહાર જવા દીધો હોત સારૂ હતું. જેથી વધુ એક રન થતા બચી શકત.
આ મેચમાં ઝિમ્બાબ્વેએ પહેલી ઇનિંગ્સમાં 210 રન બનાવ્યા હતા, જેની સામે આયર્લેન્ડે પહેલી ઇનિંગ્સમાં 250 રન કરી ઓલઆઉટ થઈ ગયું હતું. ઝિમ્બાબ્વેએ બીજી ઇનિંગ્સમાં 197 રન બનાવ્યા હતા. આયર્લેન્ડે બીજી ઇનિંગ્સમાં 17 ઓવરમાં 21 રન કરી 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મેકબ્રાયન અને ટકરેની ભાગીદારીએ સાથે મળીને આયર્લેન્ડની જીતનો પાયો નાખ્યો હતો. જેથી આયર્લેન્ડે છ વિકેટ ગુમાવીને 158 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને મેચ જીતી લીધી હતી.