Ambaji,તા.18
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળાની આજે સમાપ્તિ થશે. ભાદરવી પૂનમના મેળાના 6 દિવસમાં 27થી વઘુ લાખ યાત્રિકો નોંધાયા છે. આજે ભાદરવી પૂનમ છે ત્યારે યાત્રિકોનો આંક 31 લાખને પાર થાય તેવી પૂરી સંભાવના છે. જોકે, ગત વર્ષની સરખામણીએ યાત્રિકોમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 45.54 લાખથી વઘુ યાત્રિકો નોંધાયા હતા.
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મેળાના છઠ્ઠા દિવસે 4.57 લાખ યાત્રિકો નોંધાયા હતા. આ સાથે જ કુલ યાત્રિકોનો આંક 26.92 લાખ નોંધાયો છે. મંગળવારે વઘુ 280 સાથે કુલ 2781 ધ્વજારોહણ થયા છે. ગત વર્ષે કુલ 3377 ધ્વજારોહણ થયેલા હતા. એસ.ટી. બસમાં કુલ 4.39 લાખ મુસાફરો નોંધાયા છે. જેમાં મંગળવારના 81682 મુસાફરનો સમાવેશ થાય છે. બસની કુલ 10036 નોંધાઇ છે. આમ, પ્રત્યેક બસ ટ્રીપમાં સરેરાશ 44 મુસાફરો હોય છે.
મંગળવારે 74780 યાત્રિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આમ, ભોજન પ્રસાદ કરનારા કુલ યાત્રિકો 4.41 લાખ થયા છે. 16.61 લાખ મોહનથાળ પ્રસાદ પેકેટનું જ્યારે 30366 ચીકી પ્રસાદ પેકેટનું વિતરણ થયું છે. આમ, મોહનથાળ પ્રસાદ કરતાં ચીકી પ્રસાદ પેકેટ વિતરણનું પ્રમાણ પાંચ ગણું ઓછું છે. ગત વર્ષે 18.41 લાખ મોહનથાળ પેકેટ પ્રસાદ પેકેટનું વિતરણ થયેલું હતું. બીજી તરફ ગત વર્ષે રૂપિયા 6.89 કરોડની આવક ભંડાર-ગાદી-ભેટ કાઉન્ટરથી થયેલી હતી જ્યારે આ વખતે છ દિવસમાં રૂપિયા 2.28 કરોડની આવક થઇ છે. સોનાનું દાન ગત વર્ષે 520 ગ્રામ હતું જ્યારે આ વખતે અત્યાર સુધી 29 ગ્રામ છે.
ભાદરવી પૂનમ મેળો
વિગત | 2024 | 2023 |
યાત્રિકો | 26.92 લાખ | 45.54 લાખ |
ધ્વજા રોહણ | 2781 | 3377 |
ભોજન પ્રસાદમાં યાત્રિકો | 4.41 લાખ | 3.73 લાખ |
મોહનથાળ પ્રસાદ પેકેટ | 16.61 લાખ | 18.41 લાખ |
ચીકી પ્રસાદ પેકેટ | 30,366 | 71,452 |
ભંડાર-ગાદી આવક | રૂ. 2.28 કરોડ | રૂ. 6.89 કરોડ |
સોનાની આવક | 29.150 ગ્રામ | 520 ગ્રામ |
(*2024માં છઠ્ઠા દિવસ સુધીના આંકડા.) |