New Delhi,તા.17
દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયેલા આતિશીએ કહ્યું કે હું અરવિંદ કેજરીવાલની આ પદ પર બીજી વખત વાપસી સુધી તેમના માર્ગદર્શનમાં કાર્ય કરીશ. હું ધ્યાન રાખીશ કે દિલ્હીવાસીઓને મફત વીજળી, સારું શિક્ષણ અને મફત સારવાર જેવી સુવિધાઓ મળતી રહે. ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયેલા આતિશીએ પોતાની પહેલી પ્રતિક્રિયામાં ખુશી કરતાં દુ:ખ વ્યક્ત કરવું પડ્યું કે કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. આ દરમિયાન તેમના ચહેરા પર ઉદાસીનતા સ્પષ્ટ નજર આવી રહી હતી.
આતિશીએ દિલ્હીના ધારાસભ્યો અને જનતાને અપીલ કરી કે કોઈ મને શુભકામનાઓ ના આપે અને કોઈ માળા પહેરાવે નહીં. આમ આદમી પાર્ટી બાદ પોતે આતિશીએ પણ સ્પષ્ટ કર્યું કે તે આ સરકારનો કાર્યકાળ પૂરો થવા સુધી જ મુખ્યમંત્રી રહેશે અને નવી ચૂંટણી બાદ જો પાર્ટીના પક્ષમાં જનાદેશ આવે છે તો કેજરીવાલ જ મુખ્યમંત્રી હશે.
દિલ્હીના લોકો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હુ આગામી થોડા મહિના સુધી, ચૂંટણી સુધી મુખ્યમંત્રી હોવાના સંબંધે એક જ હેતુંથી કામ કરીશું કે અમારે કેજરીવાલને બીજી વખત મુખ્યમંત્રી બનાવવાના છે. હું જ્યાં સુધી મુખ્યમંત્રી છું મારો એક જ હેતું રહેશે. મને ખબર છે કે ભાજપ એલજી સાહેબ દ્વારા દિલ્હીવાસીઓ વિરુદ્ધ ષડયંત્ર રચશે. તે દિલ્હીવાસીઓની મફત વીજળી, મફત દવા, સારું શિક્ષણ રોકવાનો પ્રયત્ન કરશે. જ્યાં સુધી આ જવાબદારી મારી પાસે છે. હું દિલ્હીના લોકોની રક્ષા કરવાનો પ્રયત્ન કરીશ અને અરવિંદ કેજરીવાલના માર્ગદર્શનમાં કામ કરીશ.’
મારા મનમાં ખુશી કરતાં વધુ દુ:ખ છે: આતિશી
આતિશીએ કહ્યું કે હું જેટલી ખુશ છું તેના કરતાં વધુ દુ:ખી એ વાતને લઈને છું કે કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડી રહ્યું છે. તેમણે ગોપાલ રાય, સંદીપ પાઠક જેવા નેતાઓની સાથે મીડિયાની સામે આવીને કહ્યું, ‘હું સૌથી પહેલા દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના નેતા, મારા ગુરુ અરવિંદ કેજરીવાલજીનો આભાર માનું છું કે તેમણે મને આટલી મોટી જવાબદારી સોંપી. મારી પર વિશ્વાસ મૂક્યો. આ માત્ર આમ આદમી પાર્ટી અને કેજરીવાલજીના નેતૃત્વમાં શક્ય છે કે પહેલી વખતના નેતા એક રાજ્યના મુખ્યમંત્રી બને. હું સામાન્ય પરિવારમાંથી આવું છું, કદાચ કોઈ અન્ય પાર્ટીમાં હોત તો ટિકિટ પણ ન મળત. અરવિંદ કેજરીવાલજીએ મારી પર વિશ્વાસ મૂક્યો. મને ધારાસભ્ય બનાવી, મને મંત્રી બનાવી અને મુખ્યમંત્રી બનવાની જવાબદારી આપી. હું ખુશ છું કે અરવિંદ કેજરીવાલજીએ મારી પર વિશ્વાસ મૂક્યો. મને ધારાસભ્ય બનાવી અને મુખ્યમંત્રી બનાવવાની જવાબદારી સોંપી. હું ખુશ છું કે અરવિંદ કેજરીવાલજીએ મારી પર આટલો વિશ્વાસ કર્યો, પરંતુ જેટલી ખુશી મારા મનમાં છે તેના કરતાં વધુ દુ:ખ પણ છે. દુ:ખ એ વાત માટે કે દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી મારા ભાઈ અરવિંદ કેજરીવાલજી આજે રાજીનામું આપી રહ્યાં છે. હું આજે એ જરૂર કહેવા માગુ છું કે દિલ્હીના એક જ મુખ્યમંત્રી છે અને તેમનું નામ અરવિંદ કેજરીવાલ છે.’