Gujarat,તા,13
આ વખતે ગુજરાતમાં સો ટકા કરતાય વધુ વરસાદ વરસ્યો છે. હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભારે વરસાદે ગુજરાતમાં તબાહી મચાવી છે. માત્ર સરકારી મિલકતોને જ 250 કરોડ રૂપિયા કરતાં વધુનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવાયો છે. જોકે, અતિવૃષ્ટિથી થયેલાં નુકશાનનો અંદાજ મેળવવા કેન્દ્રની ટીમ ગુજરાત પહોંચી છે. આ ટીમના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય પેકેજ જાહેર કરશે, તેમજ રાજ્ય સરકાર પણ નુકસાનીનો સર્વે કરીને સહાયની માંગણી કરશે.
શહેરીજનોને થયું મોટું નુકસાન
ભારે વરસાદથી ગુજરાતમાં ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ ઉપરાંત વડોદરામાં શહેરીજનોની ઘરવખરીથી માંડીને મિલકતોને પણ નુકસાન થયું છે. એક બાજુ વરસાદના કારણે રસ્તાથી માંડીને પુલ, સરકારી મકાનો, વીજળીના થાંભલા, ટેલિફોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વૃક્ષો અને ઘાસના ગોડાઉનોને મોટાપાયે નુકસાન થયું છે.
રસ્તા-પુલો પાણીમાં ધોવાયા
સરકારનો અંદાજ છે કે, ભારે વરસાદને લીધે અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 4173 કિમી રસ્તા વરસાદી પાણીમાં ધોવાયા છે જયારે 1543 નાના-મોટા પુલોને નુકશાન થતાં સમારકામની જરૂરિયાત ઉભી થઇ છે. આ ઉપરાંત 59 પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પાંચ જીલ્લા આરોગ્ય કેન્દ્રોને પણ નુકશાન થયું છે. 11 ઘાસના ગોડાઉન ઉપરાંત 178 ટેલિફોન ઇન્ફાસ્ટ્રકચર અને 29 સરકારી મકાનો વરસાદને કારણે નુકશાનગ્રસ્ત થયા છે.
મેઘરાજાએ ખેતીને તો નુકશાન પહોંચાડ્યું છે પણ સાથોસાથ વૃક્ષોને પણ જમીનદોસ્ત કરી દીધા છે. વરસાદના કારણે આશરે સાડા છ લાખ નાના-મોટા વૃક્ષો ભોંયભેગા થયાં છે. જ્યારે 9.84 લાખ નર્સરીના છોડને નુકસાન થયું છે. રસ્તાની આજુબાજુ જ એક હજારથી વધુ વૃક્ષો જમીનદોસ્ત થયાં હોવાનો અંદાજો મેળવાયો છે. ભારે પવન સાથેના વરસાદે વીજથાંભલાને પણ નુકશાન કર્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ મળીને 23,972 વીજથાંભલા પડી ગયા હતાં. 940 કીમી લાઇટની લાઇન સહિત 1974 ટ્રાન્સફોર્મરને નુકશાન પહોંચ્યુ હતું. નહેરો ઉપરાંત અન્ય નુકશાનને કારણે સરદાર સરોવર નિગમને પણ રૂા.1210 લાખના નુકશાનનો અંદાજ સેવાઇ રહ્યો છે.
250 કરોડથી વધુનું નુકસાન
પ્રાથમિક સર્વેમાં 587 સરકારી શાળાઓને નુકશાન થયું હોવાનો અંદાજ છે જયારે 260 પોલ્ટ્રીને પણ નુકશાન પહોચ્યું છે. ભારે વરસાદને કારણે પશુઓનો મૃત્યુઆંક વધીને 5172 થયો છે. 127 કૂવા- તળાવ ઉપરાંત નહેરો નુકશાનગ્રસ્ત થઇ છે. આમ, ભારે વરસાદથી માત્ર સરકારી મિલકતોને જ 250 કરોડ રૂપિયાથી વઘુનું નુકશાન પહોંચાડ્યું છે.
ગુજરાતમાં સરકારી મિલકતોને કેટલું નુકસાન થયું?
મિલકત | નુકસાન (રૂપિયા) |
4137 કિમી રસ્તા | 3227 લાખ |
1543 પુલો | 925 લાખ |
59 આરોગ્ય કેન્દ્રો | 559 લાખ |
127 કૂવા-તળાવ | 189 લાખ |
178 ટેલિફોન ઇન્ફ્રા. | 107 લાખ |
6.56 લાખ વૃક્ષો | 207 લાખ |
9.84 લાખ નર્સરીના છોડ | 53 લાખ |
23972 વીજપોલ | 1198 લાખ |
940 લાઇટલાઇન | 470 લાખ |
ટ્રાન્ફોર્મર 1949 | 1949 લાખ |
જેટકો | 404 લાખ |
સરદાર સરોવર નિગમ | 1210 લાખ |
580 શાળા | 2190 લાખ |
પાણીપુરવઠા | 676 લાખ |
5172 પશુઓના મોત | 445 લાખ |