Narmada,તા,11
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો, ગમે ત્યારે પડી શકે છે તેવી પોસ્ટ ‘રાહુલ ગાંધી ફોર ઇન્ડિયા’ નામના એક્સ એકાઉન્ટ પર મૂકી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા અંગે નાયબ કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નર્મદા જિલ્લાના કેવડિયાકોલોની ખાતે વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોમવારે સરદાર વલ્લભભાઇની આ પ્રતિમાની એક તસવીર સોશિયલ મીડિયા એક્સ પર વાયરલ થઇ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રતિમામાં તિરાડો પડી ગઇ છે.
એક એક્સ યુઝરે પ્રતિમાના એક પગમાં તિરાડ દર્શાવતી તસવીર પણ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે ગમે ત્યારે પડી શકે છે, તિરાડો દેખાવા લાગી છે. RaGa4India રાહુલ ગાંધી ફોર ઇન્ડિયા નામના દિલ્હીના એક્સ એકાઉન્ટ પર ફોટા સાથે મૂકવામાં આવેલી આ પોસ્ટથી હડકંપ મચી ગયો હતો.
આ પોસ્ટમાં વર્ષ-2018નો ફોટો મૂકી કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઇ હૈનો દાવો કરાયો હતો. મંગળવારે મોડીરાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા એસઓયુના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ એક્સ એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં ખોટી અફવા ફેલાવી લોકોમાં ભય પેદા કરવો, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ, લોકો ગેરમાર્ગે દોરાય તેવો ખોટા પ્રચાર કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ફરિયાદ બાદ ડીવાયએસપી સંજય શર્માએ જણાવ્યું હતું કે એક્સ હેન્ડલ કોનું છે તેની તપાસ ચાલી રહી છે.