Chinese Garlic સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ,આજે યાર્ડમાં હરાજી બંધ

Share:

Rajkot,તા.10

ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જાગ્યો છે. રાજકોટ યાર્ડના વેપારી એસોસિએશને ગોંડલમાં મળી આવ્યું તે લસણ મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા હોય તે પૈકીનું હોવાની શક્યતા છે અને સરકાર આ અંગે ઉંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ સાથે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન અપાયું છે.

કેન્દ્રના પ્રતિબંધ છતાં ભાજપના જ નેતા જેના ચેરમેન છે તે ગોંડલ યાર્ડમાં 750 કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને યાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું તે અંગે પણ સવાલ ઉઠયો છે. ઉપલેટાના ગોડાઉનમાં પણ ચાઈનીઝ લસણ પકડાયાની વાતો વહેતી થઈ છે. વેપારીઓને શંકા છે કે ભારતના પ્રતિબંધને અવગણીને ચીને વાયા અન્ય દેશથી ભારતમાં ટનબંધ લસણ ઠાલવી દીધું છે.

રાજકોટ યાર્ડ કમિશન એજન્ટ એસો.એ જણાવ્યા મૂજબ ચીનનું લસણ મોટા કદનું હોય છે પરંતુ, તેનો સ્વાદ અને ગુણવત્તા નબળા છે તેથી ભારતના લસણની વિશ્વભરમાં માંગ રહે છે.  ચીનથી વાયા અફઘાનિસ્તાન ભારતમાં આ લસણ ડમ્પ કરાયાની આશંકા છે. સરકારી તંત્ર જાગે તે માટે આજે સૌરાષ્ટ્રના વેપારીઓ યાર્ડમાં લસણની હરાજી  સંપૂર્ણ બંધ રાખીને વિરોધ નોંધાવશે તેમજ દેશના અન્ય લસણ પકવતા યાર્ડમાં પણ વિરોધ દર્શાવાશે. બીજી તરફ, યાર્ડમાં લસણના ભાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિ મણ રૂ।. 1400થી 2200 વચ્ચે હતા. ચાલુ વર્ષ 2024માં ગત તા. 9 ઓગષ્ટ સુધી રૂ. 2500થી 3400ના ભાવ મળતા હતા અને તા. 10 ઓગષ્ટથી તેજી જણાઈ છે. રૂ. 4400એ પહોંચેલું લસણ ગત તા. 22 ઓગષ્ટે મહત્તમ રૂ. 5500એ પહોંચ્યા બાદ આજે રૂ. 3500થી 5100ના ભાવ મળે છે. જે ગત વર્ષ કરતા એકંદરે અઢી ગણા વધારે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષે 2 લાખ ટનથી વધુ લસણનું ઉત્પાદન થાય છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં આ વર્ષે ખેડૂતોને લસણના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે અને ચાઈનીઝ માલ મોટાપાયે ડમ્પ થઈને આવવા લાગે તો માર્કેટ તૂટવાનો ભય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *