Bihar,તા.09
બિહારની રાજધાની પટણાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. રવિવારે અહીં ભાજપના નેતાની માથામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. બાઈક સવાર અજાણ્યા બદમાશો આ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
માથામાં મારી ગોળી…
આ સમગ્ર ઘટના ચોક થાના ક્ષેત્રની જણાવાઈ છે. રામદેવ મહતો સામુદાયિક ભવન નજીક ભાજપ નેતા શ્યામ સુંદર શર્મા ઉર્ફે મુન્ના શર્માને ગોળી મારવામાં આવી હતી. મુન્ના ભાજપના ચોકમંડળના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પોલીસે આજુબાજુના વિસ્તારોના સીસીટીવી કેમેરાની મદદ લઈને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ઘટના કેવી રીતે બની?
માહિતી અનુસાર મુન્ના શર્માના ઘરે કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સોમવારે સવારે પરિજનોને છોડવા તે રોડ પર આવ્યા હતા. તેમના ગળામાં સોનાની ચેઇન હતી. બદમાશોએ તે ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો. આ દરમિયાન ઝપાઝપી થતાં બદમાશોએ તેમને ગોળી ધરબી દીધી હતી. ગોળી માથામાં વાગવાને કારણે તે મૃત્યુ પામી ગયા.