સુરતીઓએ BJP workers ને આપી નવી સ્કીમ, ‘1 ખાડો પૂરો અને 101 સભ્યો નોંધી જાઓ’

Share:

Surat,તા.09

સુરત ભાજપ દ્વારા  સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમાં શહેરના ખાડા નડી રહ્યાં છે. ભાજપના અભિયાન સામે ખાડાથી ત્રસ્ત લોકો હવે સોશિયલ મિડીયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે. લોકો ભાજપના સભ્યોને કહે છે, મિસ કોલ મારી સભ્ય પદ અપાવો છો તો ભાજપના ચાહકોને ખાડા મુક્ત રોડ ક્યારે અપાવશો ?

સુરત શહેર ભાજપ દ્વારા મોટા ઉપાડે સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, સદસ્યતા અભિયાન માટે ભાજપ જ મહિલા સાથેની ચેટના વિવાદમાં જેમને સસ્પેન્ડ કર્યા હતા તેમને જ દક્ષિણ ઝોનના અધ્યક્ષ બનાવી દેવાતા વિવાદ ઉભો થયો છે. આ વિવાદ હજુ શાંત પડે તે પહેલાં તો સોશિયલ મીડિયા પર કેટલાક ભૂતકાળના સક્રિય સભ્ય અને લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. જેના કારણે હવે ભાજપના કેટલાક સભ્યો જાહેરમાં સદસ્યતા અભિયાન માટે જતા ડર અનુભવી રહ્યાં છે.

ભાજપના જ એક જુના સક્રિય સભ્યએ પોસ્ટ મુકી છે કે, તમે જેના ફોનમાંથી સદસ્યતા અભિયાનમાં મિસ કોલ મારીને સભ્યપદ અપાવો છો તો એ મતદાર કે ભાજપના ચાહકને તમે ખાડા મુક્ત રોડ ક્યારે અપાવશો?? ભરોસો તોડતા નહીં કેમ કે ગઈ લોકસભાના પરિણામ જોયા છે સૌ એ …સોશિયલ મીડિયાના માધ્યમથી સતત દેકારો કરનારા પરમ મિત્ર કાર્યકર્તા અને આગેવાનો કે પદધારક તમે તમારા વિસ્તારના એક સામાન્ય ખાડા પુરાવી શકો છે?

આવા અણીયારા પ્રશ્નો વિપક્ષ નહી પરંતુ ભાજપના જ કેટલાક પૂર્વ સક્રિય સભ્ય કરી રહ્યાં છે, તેનો જવાબ કાર્યકરો પણ શોધી રહ્યાં છે. આ ઉપરાંત અન્ય એક પોસ્ટમાં લોકોનો આક્રોશ જોવા મળ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અમારા વિસ્તારમાં સભ્ય નોંધણી અભિયાનવાળા આવ્યા તો અમે સ્કીમ બતાવી 1 ખાડા પૂરો અને 101 સભ્યો નોંધી જાઓ, તો સભ્ય નોંધણી મંડળી ગાયબ થઈ ગઈ, મિત્રો તમે પણ તમારા વિસ્તારમાં આ સ્કીમ લાગૂ કરો. આવી અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.લોકોના આક્રોશ બાદ પણ શહેરમાં ખાડા રાજ હોવાથી લોકો હવે ભાજપના સદસ્યતા નોંધણીમાં ખાડો પાડી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. હાલમાં પણ અનેક વિસ્તારમાં રસ્તાની સ્થિતિ ખરાબ હોવાથી આગામી દિવસમાં સુરતમાં પણ બરોડાવાળી થાય તો નવાઈ નહિં તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *