10 વર્ષ પૂર્વે બનેલી Hospital ભૂતબંગલો બની, સરકાર સાવ અજાણ, રૂ. 5 કરોડ પાણીમાં

Share:

Bihar,તા.06 

બિહારના અરરિયા જિલ્લામાં એક ખેતરમાં પુલ બનાવવાના અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જ્યાં એક ગામના ખેતરમાં પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પુલ પર ચઢવાનો રસ્તો જાણી શકાયો ન હતો. હવે મુઝફ્ફરપુરમાં પાંચ કરોડો રૂપિયાના ખર્ચે ખેતરમાં બનેલી હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે. આ સરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા બની ગયું હતું અને ખંડેર હાલતમાં હતું.

જાણો સમગ્ર મામલો

અહેવાલો અનુસાર, મુઝફ્ફરપુર જિલ્લાના ચાંદપુરા ગામમાં 6 એકર જમીન પર બનેલી આ 30 બેડની સરકારી હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ હતી. વર્ષ 2015થી આજદિન સુધી આરોગ્ય વિભાગે તેનો કબજો લીધો નથી. આ હોસ્પિટલમાં એક પણ દર્દીની સારવાર કરવામાં આવી નથી. તેમજ આ હોસ્પિટલની સૌથી રસપ્રદ વાત એ છે કે આરોગ્ય વિભાગને પણ તેની જાણ નથી.

હોસ્પિટલ હવે અસામાજિક તત્ત્વોનો અડ્ડો

10 વર્ષ પહેલા આ સરકારી હોસ્પિટલ બની હતી. હવે સ્થિતિ એવી છે કે ચોરો હોસ્પિટલની બારી, દરવાજાની ફ્રેમ, દરવાજા, ગ્રીલ, ગેટ, કબાટ, ઈલેક્ટ્રીકલ વાયરીંગ અને અન્ય સાધનો ચોરી ગયા છે. હોસ્પિટલ હવે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગઈ છે. આ 30 બેડની હોસ્પિટલના કેમ્પસમાં, આરોગ્ય કર્મચારીઓના રહેવા માટે ત્રણ બિલ્ડીંગ અને ટેસ્ટિંગ સેન્ટર માટે એક બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. પરંતુ ત્રણેય ઈમારતો આજે ખંડેર હાલતમાં છે.

તપાસ માટે કમિટી બનાવી

ગ્રામીણ સુધીર કુમારે જણાવ્યું કે, ‘આ પૂર પ્રભાવિત વિસ્તાર છે. અહીંની વસ્તી 1 લાખની આસપાસ છે. જ્યારે આ હોસ્પિટલ બની રહી હતી ત્યારે તેની ભવ્યતા જોઈને આસપાસના લોકોને આશા હતી કે હવે તેમને સારી સારવાર માટે 50 કિલોમીટર દૂરના શહેરમાં જવું નહીં પડે. પરંતુ આ હોસ્પિટલ આટલી ભવ્ય બનાવાઈ હોવા છતાં કાર્યરત થઈ નથી. હોસ્પિટલની આસપાસ ઘણું જંગલ છે. ગ્રામજનો અહીં આવતા ડરે છે.’

હાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગે તપાસ કરવા માટે એક ટીમની રચના કરી છે. સિવિલ સર્જન અને અન્ય અધિકારીઓ તેમના સ્તરે તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ જ વધુ માહિતી બહાર આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *