RAJKOT, તા.૫
શહેરની ભાગોળે નાકરાવાડી ખાતેની મનપાની ઘનકચરા નિકાલ સાઈટ પર પ્રદુષણના કારણે ગ્રામજનોને પડતી મુશ્કેલી અંગે ભારે રોષ સાથે બે દિવસ પહેલા લોકોએ કોર્પો.ની ગાડીઓ રોકીને ચક્કાજામ કર્યો હતો. આ પ્રદુષણના યોગ્ય નિકાલ માટે તંત્રએ ખાતરી આપતા હાલ કચરાની હેરફેર તો પૂર્વવત થઈ છે, પરંતુ હજુ સુધી ગંદુ પાણી બહાર નીકળતુ હોય, ભવિષ્યમાં લોકોના આરોગ્ય પર મોટુ જોખમ થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે.
આજે ગ્રામપંચાયત અને લોકોએ રજૂઆત કરી હતી કે કોર્પો.ની આ ઘનકચરા સાઈટ આસપાસ અતિ ઉપદ્રવ થઈ ગયો હોય તે કાયમી ધોરણે બંધ કરવાની જરૂર છે. ગ્રામજનોને બંધારણીય હક્ક આપવા અને સુવિધા પણ આપવી જોઈએ. નાકરાવાડી સાઈટ શરૂ થઈ ત્યારથી આ સમસ્યા છે. ગામની સીમમાં ઘણા વર્ષોથી લાખો ટન કચરો ખુલ્લામાં ખાલી કરવામાં આવતુ હોય, વાતાવરણ પ્રદુષિત બન્યુ છે અને પર્યાવરણનું નિકંદન નીકળે છે. ગ્રામજનોએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાંથી આદેશ મેળવેલ હોવા છતા તેનુ પાલન થતુ નથી. આથી એકશન પ્લાન બનાવવાની જરૂર છે.
આ કચરામાંથી નીકળતુ ગંદુ પાણી (લીચેટ)સત્વરે બંધ કરાઇ તો જ જળાશયો, કુવા, નદી, નાલા બચી શકે તેમ છે. ગ્રામજનોને પીવાના અને વાપરવાના પાણીની સમસ્યા દૂર થાય તેમ છે. ગ્રામજનો ગંભીર બીમારીનો ભોગ ન બને તે માટે કાયમી ધોરણે દવાખાનું આપવાની જરૂર છે. સરકાર દ્વારા આરોગ્ય અને પર્યાવરણની જાળવણીની શરતે જમીન ફાળવવામાં આવી હતી. નાકરાવાડી ગ્રામ પંચાયતનો બાકી રૂા.૧.૨૭ કરોડનો વેરો પણ કોર્પો.તત્કાલ ભરે તો ગામનો વિકાસ થઈ શકે તેમ છે. નાકરાવાડી રાજકોટના કચરા દુષણને સાચવી રહ્યું છે જેથી ગ્રામજનોનુ જીવન નર્કાગાર બન્યું છે.