Ahmedabad,તા.05
વડોદરામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય હતી. જ્યારે પાણી ઓસરતાં ખબરઅંતર માટે ચૂંટાયેલા નેતાઓ લોકોની વચ્ચે ગયા તો લોકોના આક્રોશનો ભોગ બન્યા હતા. આ દરમિયાન હવે અમદાવાદમાં પણ વડોદરાવાળી થઈ છે. નિકોલ-કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં વરસાદ બંધ થયા પછી પણ વરસાદી પાણીનો નિકાલ મ્યુનિસિપલ તંત્ર કરી શકયુ નથી. બુધવારે (ચોથી સપ્ટેમ્બર) દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ, પાણી સમિતિના ચેરમેન દીલીપ બગરિયા તથા સ્થાનિક કોર્પોરેટરો આવાસ યોજનાની મુલાકાતે પહોંચ્યા હતા. દીલીપ બગરિયાએ રહીશોને રેનબસેરામા રહેવા જતા રહો,ખાવાનુ મળી જશે કહેતા રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
‘તમે અહીંયા ફોટા પડાવવા આવ્યા છો’
રહીશોએ કોર્પોરેશન પાસે આવાસ યોજના હેઠળ બાંધવામા આવેલા મકાનો પાણી નિકાલની કાયમી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી ફાળવવા રજૂઆત કરી હતી. જો સત્તાધીશો આવાસ ફાળવી શકતા ના હોય તો બે હાથ જોડીએ છી એ જય માતાજી રેનબસેરામાં અમારે રહેવુ નથી. તમે અહીંયા ફોટા પડાવવા આવ્યા છો કહી તમામને ચાલતી પકડાવી હતી.
નિકોલ ખાતે આવેલા મધુમાલતી આવાસ યોજનામાં ભારે વરસાદના સમયમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. ઉપરાંત રહીશોના ઘરોમાં પણ પાણી ભરાતા હોય છે. આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વહીવટીતંત્ર અને સત્તાધીશો સારી રીતે જાણતા હોવાછતાં ભરાતા વરસાદી પાણીના નિકાલને લઈ કોઈ વ્યવસ્થા કે કામગીરી કરવા ઉપર ધ્યાન આપ્યુ નથી. બુધવારે (ચોથી સપ્ટેમ્બર) દસ્ક્રોઈના ધારાસભ્ય પાણી સમિતિના ચેરમેન તથા નિકોલ વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો મધુમાલતી આવાસ યોજનાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને પણ ભરાયેલા વરસાદી પાણી અને કાદવ-કીચડમાંથી પસાર થવુ પડયુ હતુ.
આવાસ યોજનાના રહીશોએ તેમની વ્યથા રજૂ કરી હતી. રહીશોએ ભાજપના પદાધિકારીઓને જણાવ્યું હતું કે, ‘પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અમે કેટલી તકલીફ ભોગવીએ છીએ તેની તમને ખબર નથી. હજુ વરસાદ પડશે તો આ જ પરિસ્થિતિ સર્જાશે. અમને અન્યત્ર મકાન ફાળવી આપો.’ પાણી સમિતિના ચેરમેને રહીશોને રેનબસેરામાં રહેવા જવાનુ કહેતા રહીશાએ ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.