New Delhi,તા.02
ભારતીય ક્રિકેટ ટીમના હાલના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી ગૌતમ ગંભીરે પોતાની ઓલ ટાઈમ ફેવરિટ પ્લેયિંગ ઈલેવનની ટીમને પસંદ કરી છે. જેમાં ઘણાં શાનદાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ યાદીમાંથી એવા અનેક નામોને બહાર રખાયા છે. કે જેના વિષે લોકોએ વિચાર્યું પણ નહી હોય. ગૌતમ ગંભીરની આ ઓલ ટાઈમ ફેવરિટ પ્લેઈંગ ઈલેવન ટીમ ક્રિકેટ ચાહકોને ચોંકાવી રહી છે.
બુમરાહને સ્થાન ન અપાયું
રોહિત શર્મા ભારતીય ટીમ માટે ઘણાં સમયથી ઓપનર તરીકેની ભૂમિકા નિભાવી રહ્યો છે. પરંતુ ગંભીરે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ઓપનિંગ બેટર તરીકે રોહિતને નહીં પરંતુ વીરેન્દ્ર સેહવાગની પસંદગી કરી છે. બીજી તરફ વર્તમાન સમયમાં સૌથી ખતરનાક ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પણ ગંભીરની ઓલ ટાઈમ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી.
વિરાટ કોહલી અને યુવરાજ સિંહને 5 અને 6 નંબર પર સ્થાન મળ્યું
ગૌતમ ગંભીરે પોતાની ટીમમાં નંબર ત્રણ અને ચાર માટે ભૂતપૂર્વ દિગ્ગજ બેટર સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડને પસંદ કર્યા છે. આ સિવાય વિરાટ કોહલી અને યુવરાજ સિંહને 5 અને 6 નંબર પર સ્થાન મળ્યું છે. આ સિવાય એમએસ ધોનીને વિકેટકીપર અને બેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
સ્પિનર તરીકે હરભજન સિંહની અવગણના
બોલર માટે ગંભીરે સ્પિનર તરીકે દિગ્ગજ હરભજન સિંહની પણ અવગણના કરતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ અનુભવી ખેલાડી અનિલ કુંબલે અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો છે. આ સિવાય ગંભીરે ઝડપી બોલર તરીકે ઝહીર ખાન અને ઈરફાન પઠાણની પસંદગી કરી છે. જો કે, ગંભીરે ઝડપી બોલર તરીકે તેની પ્લેઈંગ ઈલેવનમાંથી જસપ્રિત બુમરાહની અવગણના કરી તે આશ્ચર્યજનક છે.
આ રહી ગૌતમ ગંભીરની ઓલ ટાઈમ ફેવરિટ પ્લેઈંગ ઈલેવન ટીમ
વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, એમએસ ધોની, અનિલ કુંબલે, આર અશ્વિન, ઝહીર ખાન અને ઈરફાન પઠાણ.