New Delhi,તા.30
ભારતીય રેલવે બોર્ડે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બોર્ડે રેલવેની વિવિધ સેવાઓમાં આવશ્યકતાઓ અનુસાર ખાલી પડેલી જગ્યાઓ પર સલાહકાર તરીકે નિવૃત્ત રેલવે અધિકારીઓની પુનઃનિયુક્તિ કરવાની મંજૂરી આપી છે. 29 ઓગસ્ટના રોજ તમામ પ્રાદેશિક અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને મોકલવામાં આવેલા પરિપત્રમાં રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, નિવૃત્ત રેલવે અધિકારીઓની પુનઃનિયુક્તિ 31 ડિસેમ્બર, 2026 સુધી માન્ય રહેશે.
ગેઝેટેડ અધિકારીઓની ખાલી જગ્યાઓને કારણે ક્ષેત્રીય રેલવે દ્વારા અનુભવાતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, બોર્ડે સેવાઓની આવશ્યકતાઓ અનુસાર ખાલી પડેલી જગ્યાઓ પર સલાહકાર તરીકે નિવૃત્ત રેલવે અધિકારીઓની પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે.
પરિપત્રમાં જણાવ્યા અનુસાર જનરલ મેનેજરને નિવૃત્ત રેલવે અધિકારીઓને ફરીથી સેવામાં લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અને આ માટે 16 નિયમો અને શરતો જણાવવામાં આવી છે. મહત્તમ વય મર્યાદા 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. સલાહકારોની નિમણૂકને ફરીથી નિમણૂકની બાબત ગણવામાં આવશે નહીં.
કર્મચારીઓને દર મહિને 1.5 પેઈડ લીવ મળશે. પરંતુ કર્મચારીઓ આ રજાઓને ટ્રાન્સફર કે ભેગી કરી શકશે નહી. કોન્ટ્રાક્ટ પૂરો થવા પર આ રજાઓના બદલામાં કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં. અધિકારીઓ HRA(House Rent Allowance) અને સરકારી આવાસ માટે હકદાર રહેશે નહીં. જો કે, તેમને ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે જવા માટે પરિવહન ભથ્થું આપવામાં આવશે, પરંતુ આ ભથ્થું નિવૃત્તિ સમયે અધિકારીને જે આપવામાં આવે છે તેટલું જ આપવામાં આવશે. નિમણૂક સમયે જે પગાર નિયત થયેલ હશે. તે જ પગાર સમગ્ર કોન્ટ્રાક્ટ દરમિયાન મળશે. આ સિવાય ઓફિસ ટુર માટે TA/DA પણ આપવામાં આવી શકે છે.