Mumbai,તા.30
મુંબઈમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું છે કે, એક સમય હતો, જ્યારે ફિનટેકની ક્રાંતિ પર સવાલ ઉઠાવવામાં આવતો હતો. પરંતુ આજે એરપોર્ટથી માંડી સ્ટ્રીટ ફૂડ સુધી ફિનટેકની વિવિધતાને જોતાં વિદેશીઓ પણ આશ્ચર્યચકિત બન્યા છે. સરસ્વતી જ્યારે બુદ્ધિ વહેંચી રહ્યા હતા, ત્યારે આ સવાલ ઉઠાવનારા લોકો રસ્તા પર ઉભા હતા.
વડાપ્રધાને કહ્યુ કે, તમને યાદ હશે કે, અમુક લોકો સંસદ ગૃહમાં ઉભા થઈને સવાલો પુછતા હતા, પોતાને વિદ્વાન માનનારા લોકો પણ પ્રશ્નો કરી રહ્યા હતા. વાસ્તવમાં જ્યારે સરસ્વતી બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં ઉભા હતા. તેઓ પુછતા હતા કે, ભારતમાં બેન્કોની બ્રાન્ચ નથી, ગામડે-ગામડે બેન્ક નથી, ઈન્ટરનેટ નથી, વીજળી પણ નથી તો રિચાર્જિંગ કેવી રીતે થશે?આગળ ઉમેર્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ફિનટેક સ્પેસમાં 31 અબજથી વધુ રોકાણ થયુ છે. તે દરમિયાન આપણા ફિનટેક સ્ટાર્ટઅપમાં 500 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. સસ્તામાં મોબાઈલ ફોન, સસ્તો ડેટા અને ઝીરો બેલેન્સ જનધન બેન્ક ખાતાઓએ ભારતમાં કમાલ કર્યો છે.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ
એક સમય હતો, જ્યારે લોકો ભારત આવતા હતા, ત્યારે આપણી સાંસ્કૃતિક વિવિધતા જોઈ દંગ રહી જતા હતા, પરંતુ હવે તેમને આપણી ફિનટેક વિવિધતાઓ પણ આશ્ચર્યચકિત કરી રહી છે.