Mumbai,તા.30
ભારતીય શેરબજારોમાં ઊંચા મૂલ્યાંકનોનો લાભ લઈ વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઊંચા ભાવના શેર વેચી પ્રાઈમરી બજારમાં રોકાણ કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે. પ્રાઈમરી માર્કેટમાં રોકાણ પર ઊંચુ વળતર મળી રહે છે. વર્તમાન વર્ષમાં પ્રાઈમરી માર્કેટ મારફત વિદેશી રોકાણકારોની શેર ખરીદી ત્રણ વર્ષની ઊંચી સપાટીએ રહી છે.
ભારતની બજારોમાં અસંખ્ય શેરો તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. અન્ય બીજી બધી બજારોની સરખામણીએ ભારતના સ્ટોકસના મૂલ્યાંકનો પ્રમાણમાં ઘણાં ઊંચા છે.
પ્રાઈમરી બજારમાં જાહેર ભરણાંમાં નીચા ભાવે શેર મળી રહેવા ઉપરાંત વળતર પણ ઊંચુ મળી રહે છે.
વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોએ જાહેર ભરણાંમાં ૧.૪૭ અબજ ડોલરની નેટ ખરીદી કરી છે જ્યારે સેકન્ડરી બજારમાં ૩.૪૨ અબજ ડોલરનું વેચાણ કર્યું હોવાનું ડીપોઝિટરીસના આંકડા જણાવે છે.
વર્તમાન સંપૂર્ણ વર્ષની વાત કરીએ તો, વિદેશી રોકાણકારોએ પ્રાઈમરી માર્કેટ મારફત ૬ અબજ ડોલરના શેર ખરીદ કર્યા છે જે ૨૦૨૧ બાદ સૌથી ઊંચી ખરીદી છે.
ઊંચુ વળતર મેળવવા સેકન્ડરી બજારમાં લાંબો સમય રાહ જોવા કરતા પ્રાઈમરી માર્કેટમાં ટૂંકા ગાળા વ્યવહારુ વળતર મેળવી લેવાનું વિદેશી રોકાણકારો મુનાસિબ માની રહ્યા છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
સેકન્ડરી બજારમાં વળતર મળવાની માત્રા હાલમાં ઘટી રહી છે. વર્તમાન વર્ષમાં ભારતની પ્રાઈમરી બજારમાં ૭.૩૦ અબજ ડોલરના જાહેર ભરણાં આવ્યા છે જે એશિયામાં સૌથી વધુ છે. ૫.૧૦ અબજ ડોલરના જાહેર ભરણાં સાથે ચીન બીજા ક્રમે રહ્યું છે.