Mumbai,તા.30
ઓગસ્ટ ૨૦૨૪માં શેરબજારમાં શેર બાયબેકની લહેર આવી છે. આ મહિને અત્યાર સુધીમાં ૧૧ કંપનીઓએ રૂ. ૫૩૮૮ કરોડના શેર બાયબેક કર્યા છે. પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર રૂપિયાના સંદર્ભમાં પરત ખરીદાયેલા શેરનું વોલ્યુમ ૧૪ મહિનામાં સૌથી વધુ છે. બાયબેક હેઠળ કંપનીઓ નિશ્ચિત કિંમતે રોકાણકારો પાસેથી તેમની પાસે રહેલા શેર પાછા ખરીદે છે. સામાન્ય રીતે આ ભાવ વર્તમાન શેરના ભાવ કરતા વધારે હોય છે. ડિસેમ્બર ૨૦૨૨માં ૯ કંપનીઓએ રૂ. ૧૦,૬૦૬ કરોડના શેર બાયબેક કર્યા હતા.
વ્યક્તિગત કંપનીઓમાં ઇન્ડસ ટાવર્સ, અરબિંદો ફાર્મા, વેલસ્પન લિવિંગ, ટીટીકે પ્રેસ્ટિજ અને નવનીત પબ્લિકેશન્સે ઇક્વિટી શેરધારકો પાસેથી રૂ. ૪૪૯૧ કરોડના શેર બાયબેક કર્યા છે. હાલમાં બાકીની છ કંપનીઓ – સિમ્ફની, સેરા સેનિટરીવેર, સવિતા ઓઈલ ટેકનોલોજીસ, ધનુકા એગ્રીટેક, ચમન લાલ સેટિયા એક્સપોર્ટ્સ અને એઆઈએ એન્જિનિયરિંગની બાયબેક ઓફર હજુ પણ ખુલ્લી છે અને ૩૦ ઓગસ્ટે બંધ થવાની છે.
આ સિવાય આરતી ડ્રગ્સ, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ન્યુક્લિયસ સોફ્ટવેર એક્સપોર્ટ્સ, કેડીડીસી, ટેકનોક્રાફ્ટ ઈન્ડસ્ટ્રીઝ (ઈન્ડિયા) અને મયુર યુનિકોટર્સ સહિત ૧૦ અન્ય કંપનીઓએ શેર બાયબેકની દરખાસ્તોને મંજૂરી આપી છે પરંતુ બાયબેક માટેનું સમયપત્રક જાહેર કરવાનું બાકી છે. આ તમામ કંપનીઓએ ટેન્ડર ઓફર દ્વારા પ્રમાણસર ધોરણે શેર બાયબેકની જાહેરાત કરી છે.
વિશ્લેષકો કહે છે કે શેર બાયબેક ક્વોન્ટમમાં વધારો થવાનું કારણ ઓક્ટોબર ૨૦૨૪થી ભારતના શેર બાયબેક ટેક્સ પ્રણાલીમાં થનારા નોંધપાત્ર ફેરફારો જવાબદાર છે. જુલાઈમાં રજૂ થયેલા બજેટમાં નવા નિયમો અનુસાર બાયબેકમં ટેક્સનો બોજ કંપનીઓ પાસેથી શેરધારકો તરફ ટ્રાન્સફર થશે અને રોકાણકારોના વ્યક્તિગર ટેક્સ સ્લેબ મુજબ ડિવિડન્ડ તરીકે ટેક્સ વસૂલાશે.
હાલમાં બાયબેક કરતી કંપનીઓએ ૨૦ ટકાથી વધુ બાયબેક ટેક્સ ચૂકવવો પડે છે. તે જ સમયે, શેરધારકોએ તેમના શેરની ઓફર પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.