હેલિકોપ્ટરમાં સવાર ચાર પૈકી એકની હાલત ગંભીર
Pune, તા.૨૪
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં હેલીકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પુણેમાં હાલ ઝડપી પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખરાબ વાતાવરણના કારણે આ ઘટના ઘટી હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે. હેલીકોપ્ટરમાં ચાર લોકો સવાર હોવાની માહિતી મળી છે. જેમાં એકની હાલત ગંભીર છે જ્યારે અન્ય ત્રણ લોકો સુરક્ષિત છે.
ઘટનાના સંબંધમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ’પુણેના પૌડ ગામ નજીક પ્રાઇવેટ એવિએશન કંપનીનું હેલીકોપ્ટર ક્રેશ થયું છે, આ હેલીકોપ્ટર મુંબઇથી હેદરાબાદ જઇ રહ્યું હતું અને તેમાં ચાર લોકો સવાર હતા.
આ ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ’જ્યારે આ ઘટના બની ત્યારે હું નજીક જ હતો. મેં જોયું કે એક હેલીકોપ્ટર નીચે પડી રહ્યો છે, જ્યારે તે નીચે પડ્યો ત્યારે હું તેની પાસે ગયો. મેં પાયલોટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે વાત કરવાની સ્થિતિમાં નહોતો. તે ગભરાઇ ગયો હતો અને લોકોને કહી રહ્યો હતો કે અહીંથી હટી જાઓ, હેલીકોપ્ટર બ્લાસ્ટ થઇ શકે છે.’
પ્રત્યક્ષદર્શીએ વધુમાં જણાવ્યું કે, ’જે સ્થળે આ ઘટના બની છે, તે ખૂબ જ નાની જગ્યા છે. ત્યાં જવું ઘણું મુશ્કેલ છે. અહીં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, મને લાગે છે કે કદાચ આ જ કારણસર આ ભયંકર ઘટના બની છે. મને બ્લડ પ્રેશરની સમસ્યા છે અને આ દુર્ઘટના જોઇ હું ખૂબ જ ડરી ગયો હતો અને ત્યાંથી તરત ભાગી ગયો હતો.’
હેલીકોપ્ટર છઉ ૧૩૯ અને પાયલોટની વિગતો સામે આવી છે. આ હેલીકોપ્ટર ગ્લોબલ વેક્ટ્રા કંપનીનું છે.
ઘાયલ થયેલા પાયલોટનું નામ આનંદ છે જેને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હેલીકોપ્ટરમાં અન્ય ત્રણ લોકો પણ સવાર હતા. જો કે, સદનસીબે તેઓ સુરક્ષિત છે.