Surat, તા.૨૩
એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. નશામાં ચકચૂર યુવક ટીશર્ટ કાઢીને થાંભલા પર ચઢી ડાન્સ કરતો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. ફાયર વિભાગે હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરાવીને ત્રણ કલાક સુધી ટ્રેનો રોકી રાખી હતી અને યુવકને રેસ્ક્યૂ કરીને નીચે ઉતાર્યો હતો. તેને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર કોઈ યુવક ચડી ગયો છે. આ કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તે ઉપરાંત સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ, પોલીસ અને ઇઁહ્લના જવાનો પણ દોડતા થઈ ગયા હતા. યુવકનું રેસ્ક્યૂ કરવા હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર અને પોલીસ દ્વારા યુવકને નીચે ઊતરી જવા સમજાવવામાં આવી રહ્યો હતો.તે નશામાં હોવાથી હાઈટેન્શન લાઈનના થાંભલા પર શર્ટ કાઢી ડાન્સ કરતો હતો.
ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. એક ફાયર અધિકારી હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડ્યા અને આ યુવકને સમજાવવા પ્રયાસ કર્યો હતો. છતાં પણ તે નહીં સમજતાં તેને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓએ તેને પકડી પાડ્યો હતો. રૂપિયા અને મોબાઇલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હતો. યુવકની પૂછપરછ કરતાં પોતે મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં જ આવ્યો હતો. યુવક કયા કારણોસર થાંભલા પર ચડ્યો અને તેની મેડિકલ પણ તપાસ કરવામાં આવી હતી.
ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, કોલ મળતા જ અમારી ટીમ પહોંચી ગઈ હતી. ત્રણ કલાક જેટલો સમય યુવકને નીચે ઉતારવામાં લાગ્યો હતો. યુવક નીચે ઊતરવા તૈયાર ન હતો અને તેના હાથમાં પથ્થરો પણ હતા. યુવક નશાની સાથે થોડોક માનસિક બીમાર હોય તેવું પણ લાગી રહ્યું છે. કેમ કે, તે થાંભલા પર દોડાદોડી કરતો હતો અને ડાન્સ પણ કરતો હતો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં ધવલ જાદવ નામનો યુવાન નશામાં ચકચૂર થઈને થાંભલે ચડ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.