Mumbai,તા.22
પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુટ્યુબ ચેનલ (UR · Cristiano) શરૂ કરી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શરૂઆતની 90 મિનિટની અંદર જ તેની યુટ્યુબ ચેનલે 1 મિલિયન (10 લાખ) સબ્સક્રાઈબર્સનો આંકડો પાર કરી લીધો છે. આ કોઈ પણ નવી યુટ્યુબ ચેનલ દ્વારા સૌથી ઝડપથી હાંસલ કરવામાં આવેલો આંકડો છે. બીજી તરફ 22 ઓગષ્ટના રોજ સવારે 10: 30 સુધીમાં રોનાલ્ડોની યુટ્યુબ ચેનલે 1 કરોડ 33 લાખ સબ્સક્રાઈબર પૂરા કરી લીધા છે. બીજી તરફ લિયોનેલ મેસ્સી જેની સાથે ફૂટબોલના મેદાનમાં રોનાલ્ડોની હરીફાઈ જગ જાહેર છે. અત્યાર સુધીમાં તેના લગભગ 23 લાખ યુટ્યુબ સબસ્ક્રાઈબર્સ છે.
બીજી તરફ મેસ્સીએ 1 સપ્ટેમ્બર 2021થી પોતાની ચેનલ પર માત્ર એક વીડિયો પોસ્ટ કર્યો છે. બીજી તરફ રોનાલ્ડોએ 19 વીડિયો સાથે પોતાની શરૂઆત કરી છે. રોનાલ્ડોની ચેનલ ભલે ઝડપથી આગળ વધી રહી હોય પરંતુ યુટ્યુબ પર સૌથી વધુ સબ્સક્રાઈબર્સના મામલે મિસ્ટર બીસ્ટ (31.1 કરોડ સબ્સક્રાઈબર) સૌથી આગળ છે. 39 વર્ષીય રોનાલ્ડો પોતાના શાનદાર ફૂટબોલ કરિયરના અંતની નજીક છે. જેમાં તેણે ઈંગ્લેન્ડ, સ્પેન અને ઈટલીમાં સાત લીગ ટાઈટલ જીત્યા છે. બીજી તરફ તેના નામ પર પાંચ બેલન ડી પુરસ્કાર પણ છે. તેણે જુલાઈમાં કહ્યું હતું કે, યુરો 2024 પોર્ટુગલ સાથે તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે, પરંતુ તેણે નહોતું જણાવ્યું કે, તે 2026 વર્લ્ડ કપમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે કે નહીં.