Junagadh,તા.22
જુનાગઢ જિલ્લાના નાનકડા ગામ સમઢીયાળાની ખેડૂતપુત્રી મોના સાવલીયાએ 8 દિવસમાં લેહ-લદ્દાખમાં આવેલા માઉન્ટ કાંગ યાત્સે-1 6401 મીટર (19,203 ફૂટ) અને માઉન્ટ કાંગ યાત્સે-2 6250 મીટર (18,750 ફૂટ) ઊંચાઇએ આવેલા બંને શિખર સર કરીને અનોખી સિદ્ધિ મેળવી છે.
2022 પર્વતારોહણની તૈયારી શરુ કરી
મોના સાવલીયા કહે છે કે, ‘2022માં હું બીએસ.સી એગ્રીકલ્ચરમાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્યારે મને પર્વતારોહણ વિશેની સમજ મળી. પરિવારની આર્થિક સ્થિતિ મધ્યમ હતી એટલે પર્વતારોહણની તૈયારી શરુ કર્યા પહેલાં માતા-પિતાને તેના વિશે વાત કરી હતી. માતા-પિતાએ મને સપોર્ટ આપવાની તૈયારી દર્શાવતા પર્વતારોહણ કરવું તે મારા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય બની ગયો.’
માઉન્ટિરિંગની જમ્મુ-કાશ્મીરમાં તાલીમ લીધી
મોનાએ વધુમાં જણાવ્યું હતું કે, પર્વતારોહણ શરુ કર્યા પહેલાં ખડક ચઢાણની 10 દિવસ, એક વર્ષ પછી ક્લાઇન્ડિંગ તેમજ બેઝિક માઉન્ટિરિંગની જમ્મુ-કાશ્મીરમાં તાલીમ લીધી હતી. યુ.કેમાં બાયોલોજીમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો. અથાગ મહેનત પછી લેહ-લદ્દાખના માઉન્ટ કાંગ યાત્સે-1 6401 મીટર (19,203 ફૂટ) અને માઉન્ટ કાંગ યાત્સે-2 6250 મીટરના શિખર માત્ર 8 દિવસમાં સર કર્યા છે. 7 લોકોની ટીમમાં મારી સાથે ત્રણ લોકો આ શિખર સર કરવામાં સફળ રહ્યા હતા. હવે મારા આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો છે. આથી હવે હિમાલયના 14 શિખર સર કરવાની મારી ઇચ્છા છે.
ક્લાઉન્ડિંગ વૉલ ચઢવાની ખાસ પ્રેક્ટિસ શરુ કરી
પર્વતારોહણ કરવા માટે શારીરિક કસરત અને ડાયટ શેડયુલ બનાવવું જરૂરી છે. પર્વતારોહણની શરૂઆતના 15 દિવસ વહેલાં હું લેહ-લદ્દાખ ગઇ હતી, જેથી ત્યાંના વાતાવરણ સાથે સેટ થઈ શકું. પર્વાતારોહણની શરુઆત પહેલાં ક્લાઉન્ડિંગ વૉલ ચઢવાની વધારે પ્રેક્ટિસ કરતી હતી.