ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો સહિત ચાંદીપુરા વાયરસનો મુદ્દો ગુંજ્યો હતો
Gandhinagar,તા.૨૧
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો સહિત ચાંદીપુરા વાયરસનો મુદ્દો ગુંજ્યો હતો. સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ‘બંધ કરો ભાઈ બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાર કર્યો હતો કે, શાળામાં શિક્ષકો ગેરહાજર રહે છે અને એ બાબતે સરકારની કાર્યવાહી શું છે? કુલ ૧૭૬ શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા છે. ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો સૌથી વધારે ગેરહાજર છે. તે ઉપરાંત ગુજરાતમાં થયેલી દુર્ઘટનાઓ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં સુત્રોચ્ચાર કર્યા હતાં.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું હતું કે, શાળામાં શિક્ષકોની ઘટની બાબત દર વખતે ભરતી કેમ્પમાં ધ્યાન પર આવતી હોય છે. કુલ ૧૭૬ શિક્ષકો શાળામાં હાજર નથી. કુલ ૧૩૪ શિક્ષકો ગેરહાજર છે અને એ તમામ ૧૩૪ શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. જે ૧૭૬ શિક્ષકોની વાત કરે છે એ ૧૭૬ નથી પણ કુલ ૧૩૪ શિક્ષકો છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર હોય એવા ૧૩૦ શિક્ષકો પૈકી ૧૦ને બરતરફ કર્યા છે. જ્યારે બાકીના સામે કાર્યવાહી ચાલુ છે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ગેરહાજર નથી.જે ગેરહાજર છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તે ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં કહ્યું હતું કે, ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો વિદેશ પ્રવાસે છે એ કહેવું ખોટું ગણાશે. આ દરમિયાન અધ્યક્ષે કહ્યું હતું કે,જ્યારે ગૃહમાં સવાલ કરવામાં આવે ત્યારે પૂરતા પુરાવા સાથે સવાલ હોવા જોઈએ માટે આ તમામ સવાલ રેકર્ડ પરથી દૂર કરવામાં આવશે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કહ્યું હતું કે, બે શિક્ષકોને મારા મત વિસ્તારમાં કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સચિવ કક્ષાએથી માહિતી માંગે તો સમયસર માહિતી મળે છે. બે શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી છે, શિક્ષકોની ભરતી નથી થતી, શિક્ષકો હાજર રહેતા નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કરતાં કહ્યું હતું કે,૩૧-૭-૨૪ની સ્થિતિએ ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસથી કેટલા બાળકોના મોત થયા છે, વાઈરસ અટકાવવા શું પગલા લીધા? તેના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કુલ ૧૬૪ કેસ છે, ચાંદીપુરા વાઈરસને કારણે ૨૮ મોત છે, ઍન્સિફિલાઇટિસ વાઈરલ સિન્ડ્રોમથી ૭૩ મોત છે. આમ કુલ ૧૦૧ મોત છે. ૧૬૪માંથી ૧૦૧ને બાદ કરતા ૬૩ બાળકોને બચાવી શકયા છીએ. જેમાંથી ૫૯ બાળકોને સારવાર આપી ઘરે મોકલી શક્યા છે જ્યારે ૪ હજુ સારવાર લઈ રહ્યા છે