RAJKOT:મહત્તમ 7 મિમિ મચ્છર 1700 મિમિના માણસને ગંભીર બિમાર પાડી દેવા સક્ષમ

Share:

આજે વિશ્વ મચ્છર દિવસ : નાના મચ્છરની મોટી સમસ્યા 

ચિકનગુનિયા અને ડેંગ્યુ ફેલાવતા એડીસ મચ્છરોમાં માત્ર માદા માણસનું લોહી પીવા કરડે છે : નર મચ્છર ફળના રસ પર જીવે છે

RAJKOT,તા.20

તા. 20 ઓગષ્ટ વિશ્વ મચ્છર દિવસ તરીકે  એક મચ્છર..માણસને અતિ ગંભીર બિમાર પાડી શકે અને જીવ પણ લઈ શકે છે તે નાના મચ્છરની મોટી સમસ્યા અંગે જાગૃતિ લાવવા મનાવાય છે. મેલેરિયા એનોફીલીસ પ્રકારના મચ્છરોથી ફેલાય છે પરંતુ, હાલ જેના કેસો વધી રહ્યા છે અને વરસાદી ઝાપટાં વચ્ચે ભેજયુક્ત હવામાનમાં વધવાનુ જોખમ વધ્યું છે તે એડીસ મચ્છરનું કદ માત્ર 4થી 7 મિ.મિ.હોય છે અને તે સરેરાશ 1700  મિ.મિ.ના (આશરે સાડા પાંચ ફૂટ)ના માણસને ગંભીર માંદગીના બિછાને પાડી દેવા સક્ષમ છે.

ગુજરાતમાં ઈ.સ. 2023માં 7222 ડેંગ્યુના કેસો સરકારી ચોપડે નોંધાયા છે. ઉપરાંત 24,124 શંકાસ્પદ ચિકનગુનિયાના કેસો નોંધાયા છે. ચાલુ વર્ષે 30 જૂન સુધીમાં કે જે સમયગાળામાં સામાન્ય રીતે નહીવત્ કેસો હોય ત્યારે પણ ડેંગ્યુના 893 કેસો નોંધાયા છે. આ કેસોમાં હવે વધારો થવાનું જોખમ અનેકગણુ વધ્યું છે.

એડીસ ઈજિપ્તી પ્રકારના આ મચ્છરમાં નર મચ્છર નાના કદના હોય છે અને તે ફળના રસ ઉપર જીવતા હોય છે પરંતુ, માદા કદમાં મોટા હોય છે અને તે માણસનું લોહી પીવા માટે કરડે છે, અને લોહી પીવા માટે તેનું માતૃત્વ કારણભૂત છે. આ મચ્છર જે ઈંડા મુકે છે તેનું પોષણ માણસના લોહીમાંથી મળી રહે છે.  પરંતુ, જરાક અમથો ચટકો ભરવા સાથે આ મચ્છર ડેંગ્યુ, ચિકનગુનિયા જેવા વાયરસને ફેલાવે છે.

મેલેરિયા ફેલાવતા મચ્છરોથી વિપરિત આ મચ્છરની ખાસિયત એ છે કે તે મુખ્યત્વે દિવસના સમયે જ કરડે છે.તેના શરીર પર સફેદ માર્કીંગ હોય જેથી તેને ટાઈગર મોસ્ક્વીટો પણ કહે છે. જાણકારો કહે છે એમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ,લેક્ટીક એસીડ, ઓક્ટેનોલ જેવા રસાયણોથી આ મચ્છર આકર્ષાય છે.

ગંભીર રોગ ફેલાવતા એડીસ મચ્છરનું આયુષ્ય તો માત્ર એકથી બે સપ્તાહ જ હોય છે પરંતુ, માનવસમાજ માટે ગંભીર બાબત એ છે કે આ મચ્છર જે ઈંડા મુકે તે શિયાળાના સુકા હવામાનમાં પણ એકાદ વર્ષ ટકી રહે છે અને પાણી,ભેજ મળતા જ તેમાંથી મચ્છર પેદા થાય છે.

આ મચ્છર ગટરના ગંદા પાણી કે કચરાના ઢગલામાં નહીં પરંતુ, બંધિયાર, ચોખ્ખા (ખાસ કરીને વરસાદી) અને છીછરાં પાણીમાં ઈંડા મુકે છે, તેમાંથી બે-ત્રણ દિવસમાં જ પોરા અને પછી એટલા દિવસમાં કોસેટો અને ફરી બે ત્રણ દિવસમાં મચ્છર બની જાય છે. આમ, ઈંડામાંથી મચ્છર બનતા એકાદ સપ્તાહનો સમય લાગતો હોય ઘરમાં બંધિયાર પાણીને દર સપ્તાહે સાફ કરવું જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *