ગોંડલ, મવડી અને મેટોડાની જુગાર કલબમાં લઈ ગયા બાદ હારેલા રૂપિયા કઢાવવા માટે ધાક ધમકી આપી ઢોર માર માર્યો
Rajkot,તા.૧૯
થોડા દિવસો પૂર્વે જ સટ્ટાના નાણાં ઉઘરાવાનો હવાલો લઈને ઇમિટેશનના ધંધાર્થીના લમણે હથિયાર રાખી ઉઘરાણી કરવા મામલે પોલીસ ચોપડે ચડી ચૂકેલા રવિ વેકરીયાની પઠાણી ઉઘરાણીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હાર્ડવેરના ધંધાર્થીને જુગારના રવાડે ચડાવી પૈસાની ઉઘરાણી કરી માર મારતા વેપારીએ આપઘાતનો પ્રયાસ કરતા આજીડેમ પોલીસમાં રવિ વેકરીયા સહીત પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
નિતેષભાઇ હસમુખભાઇ ટીંબડીયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાવનગર રોડ પર બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં જય બાલાજી સ્ટીલ નામે કારખાનુ છે, જ્યાં હાર્ડવેરનો વેપાર કરૂ છું. આજથી આશરે છ મહીના પહેલા મારે કપીલભાઇ પટેલ સાથે મુલાકાત થયેલ અને અમારી વચ્ચે મિત્રતા થયેલ હતી.
કપીલભાઇ અલગ અલગ જગ્યાએ જુગાર રમવા જતો હોય તેણે મને કહેલ કે તુ પણ જુગાર રમવા મારી સાથે આવવા વારંવાર કહેતા હોય જેથી આ કપીલભાઇના કહેવાથી તીનપતીનો જુગાર રમવા માટે રવીભાઇ વેકરીયાની જુગાર કલબ ગોંડલ નજીક વાડી વિસ્તારમા આવેલ હોય ત્યાં તીનપતીનો જુગાર રમવા માટે ગયેલ હતો. આ જગ્યાએ જુગાર રમવા માટે પાંચ થી છ વ્યક્તિ આવતા અને ત્રણ લાખ ડીપોઝીટ પેટે જમા લઇ જુગાર રમાડતા હતા.
આ દિવસે હું તીનપતીના જુગારમા રૂ. 13.40 લાખ હારી ગયેલ હોય જેમાંથી ડીપોઝીટના ત્રણ લાખ કાપી લીધેલ અને બાકીની હારેલ રકમના રૂ. 10.40 લાખ બે દિવસમા રવીભાઇ વેકરીયાને રોકડા ચુકવી દીધેલ હતા અને હું તીનપતીના જુગારમાં આટલી મોટી રકમ હારી ગયેલ હોવાથી મે જુગાર રમવા જવાનુ બંધ કરી દીધેલ હતુ.
ત્યારબાદ આશરે એકાદ મહિના પછી ફરીથી મને કપીલભાઈ પટેલ અવાર નવાર ફોન કરી જુગાર રમવા માટે બોલાવતા હોય અને મને લેવા માટે રવીભાઇ વેકરીયાની ફોર્ચ્યુન કાર નંબર જી.જે.-૦૩-એન.એફ.-૦૦૦૧ વાળી ગાડીમા તેમની સાથે જુગાર રમવા માટે મવડી વિસ્તાર વગડ ચોકડી પાસે આવેલ એક ફલેટમા ૧૪માં માળે લઇ ગયેલ હતા. આ દિવસે હું તીનપતીમાં જુગારમાં રૂ.46.50 લાખ એક જ દિવસમા હારી ગયેલ હતો અને આ રકમની ચુકવણી પેટે રૂ. 10 લાખ, બાદ બીજા રૂ.3 લાખ, રૂ. 5 લાખ ચૂકવ્યા હતા.
ત્યારબાદ બાકી રહેતી રકમ માટે રવીભાઇ વેકરીયા તથા કપીલભાઈ પટેલ તથા બાદશાહભાઇ આ રૂપીયા માટે મને વારંવાર ફોન કરીને મારા આધાર કાર્ડ અને ચેકબુક લઇને મવડીમા રવીભાઇની ઓફીસે આવી આ બાબતે મારે આપવાની થતી રકમ તેઓએ મને ઉછીના કે શરાફી રકમ પેટે આપેલ છે. તેનુ લખાણ કરી આપવા માટે મને ખુબ જ દબાણ કરતા હતા.
ત્યારબાદ મારે આ રવીભાઇ તથા કપીલભાઇ ને આપવાની રકમની ચુકવણી થયેલ ન હોય જેથી ફરીવાર આ કપીલભાઇ પટેલે કહેલ કે થોડાક રૂપીયાનો મેળ કરી કાનાભાઇ કાકડીયા જેની જુગાર કલબ મેટોડા ગઇટ નં.૩ ની સામે ૮માં માળે ફ્લેટમા તીનપતીની જુગાર કલબ ચાલતી હોય ત્યાં જુગાર રમવા જવાની વાત કરેલ અને ત્યાં જુગાર રમવા જઇ રૂપીયા જીતી આ રવીભાઇ વેકરીયાના રૂપીયા ચુકવી આપશુ એમ કહી આ જગ્યાએ મને કપીલભાઇ પટેલ લઇ ગયેલ હતા અને આ જગ્યાએ જુગાર રમવામા હું રૂપીયા 80 લાખ હારી ગયેલ હતો. જેમાંથી મે આ કાનાભાઇ કાકડીયાને રોકડા રૂ.૧૯ લાખ, બાદ રૂ. 8 લાખ, 5 લાખ કપીલભાઈને આપેલ હતા. આમ કુલ રૂ. 48.50 લાખ કાનાભાઇ કાકડીયાને ચુકવી આપેલ તેમ છતા બાકી રહેતા રૂ.31.50ની રકમ માટે રવીભાઇ વેકરીયા, કપીલભાઈ પટેલ, બાદશાહ, ચીરાગ મોલીયા, કાનાભાઇ(કાનો) કાકડીયા અવાર નવાર ઉઘરાણી કરી જમીન કે કારખાનું લખી આપવા દબાણ કરતા હતા જેથી કંટાળી વેપારીએ એસીડ પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ આજીડેમ પોલીસે આ પાંચેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.