Babara માં પ્રેમી સાથે લગ્ન કરવામાં નડતરરૂપ બાળકની ઠંડા કલેજે હત્યા નીપજાવતી નિષ્ઠુર માતા

Share:

પાણીની કુંડીમાં ડુબાડી દઈ દોઢ માસના માસુમને મોતને ઘાટ ઉતારી દેનારી પ્રેમાંધ જનનીની ધરપકડ

Babara,તા.૧૭
બાબરાનાં વાવડા ગામે પરપ્રાંતિય ખેતમજૂર જનેતાનું ફિટકારજનક કૃત્ય સામે આવ્યું છે. પ્રેમ સંબંધની પતિને ખબર પડતા માથાકૂટ કરીને વતન દાહોદ જતો રહ્યા બાદ પત્નીએ માસુમ પુત્રને પાણીની કુંડીમાં ફેકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ખોટી સ્ટોરી બનાવી હતી પણ પોલીસ તપાસમાં સમગ્ર કારસ્તાનનો ભાંડો ફોડ થયો હતો.
બાબરાના વાવડા ગામે દાહોદના વતની અને ખેતરોમાં ભાગવું રાખી મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના દોઢ મહિનાનાં બાળકનું શંકાસ્પદ મોત નિપજયું હતું. આ અંગે બાળકની માતા મનીષાબેન બામણીયા (મૂળ રહે. કળશિયા, તા. ગરબાડા, જી.દાહોદ) નામની રપ વર્ષીય મહિલાએ પોલીસમાં નોંધાવ્યું હતું કે, તે તથા તેના પતિ રાકેશભાઈ અને તેના પુત્ર-પુત્રી બંને બાળકો ગત રાત્રિનાં પોતે ભાગયુ રાખેલ વાડીએ સૂતા હતા. આજે સવારે પાંચક વાગ્યાના અરસામાં ઉઠીને જોતા તેના પતિ અને નાનો દીકરો પથારીમાં નહોતા જેથી શોધખોળ કરતા તેનાં દોઢ માસનાં પુત્રની પાણીની ટાંકીમાં ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવને લઈને બાબરા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી. જેથી પ્રથમ તો તેણીનો ગુમ પતિ રાકેશ જ પુત્રને પાણીની કૂંડીમાં ફેંકીને ભાગી ગયાની શંકા ગઈ હતી.
આ બનાવને લઈને બાબરા પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા માતાએ પોતે જ પોતાના દોઢ માસના માસુમ બાળકની હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. માતાને મિથુન ભુરીયા (રહે. મધ્યપ્રદેશ) નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો અને તે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી તેનો પતિ ચાલ્યો ગયો હતો.  પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાને પ્રેમ સંબંધ હોય, જેથી પ્રેમી સાથે લગ્ન કરવા માટે સામાજિક પ્રથામાં પુત્ર નડતરરૂપ હોય, જેથી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. જોકે સામાજિક પ્રથામાં બીજા લગ્નમાં પુત્રી નડતરરૂપ ગણાતી ન હોવાથી માતાએ સાથે રાખી હતી અને પુત્રને મોતનાં મુખમાં ધકેલી દીધો હતો.  પરિણામે ક્રૂર માતા મનીષા સામે બાબરા પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *