Bihar Patna,તા.14
બિહારની રાજધાની પટણામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના પટણા સિટીના આલમગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બજરંગપુરી વિસ્તારમાં બની હતી.
રાતે 10 વાગ્યાની આજુબાજુ બની હતી ઘટના
પોલીસ તપાસમાં જાણકારી મળી કે ભાજપ નેતા અજય શાહને ગત રાતે 10 વાગ્યાની આજુબાજુ તેમના ઘરની નજીકમાં જ ગોળી ધરબી દેવામાં આવી હતી. અજય ભાજપના પટણા જિલ્લાના મહામંત્રી હતા. ઘરની નજીકમાં જ તેઓ દૂધનું પાર્લર ચલાવતા હતા.
બદમાશોએ પાર્લરમાં જ ગોળી ધરબી દીધી
બદમાશોએ જે સમયે તેમને ગોળી મારી તે સમયે અજય તેમના પાર્લર પર જ બેઠાં હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી ગોળી મારી ફરાર થઈ ચૂકેલા હત્યારાઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે આ મામલે શું કહ્યું?
પોલીસે કહ્યું કે આ હત્યા કયા કારણોસર થઈ તે અંગે હજુ કારણ અકબંધ છે. અમે પરીવારના સભ્યોના નિવેદન લઇને દરેક એંગલથી તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી છે. ઘટનાસ્થળની મુલાકાત વખતે એએસપી શરથ આર.એસે જણાવ્યું કે પ્રાથમિક અહેવાલો અનુસાર બે બદમાશો અજયના પાર્લર પર આવ્યા હતા. તે સમયે કોઈ કહાસુણી થઇ હોવાના દાવા થઇ રહ્યા છે અને આ દરમિયાન જ ફાયરિંગની ઘટના બની હતી.