Vadodara,તા.26
વડોદરા કોર્પોરેશનના અલગ-અલગ ખાતાઓ માટે રૂ.1,51,48,250 ના ખર્ચે કોપ્મ્યુટર અને પ્રિન્ટર ખરીદવા માટેની દરખાસ્ત મંજૂરી હેતુ સ્થાયી સમિતી સમક્ષ રજુ થઇ છે. કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં વર્ષો જુના કોમ્પ્યુટર્સ-પ્રિન્ટર્સ સ્લો ચાલતા હોવાથી ઘણી વખત કામગીરી પણ અસરગ્રસ્ત બને છે.
વડોદરા કોર્પોરેશનના ઘણા ડીપાર્ટમેન્ટ્સમાં કોમ્પ્યુટર્સ અને પ્રિન્ટર્સ જુના થઇ ગયા છે. હાલમાં ઉપયોગમાં લેવાતાં 40 કરતાં વધુ કોમ્પ્યુટર 10 વર્ષ કરતાં પણ જુના છે, 125 નંગ કોમ્પ્યુટર્સ અને 113 નંગ પ્રિન્ટર્સ વર્ષ 2015 માં ખરીદવામાં આવેલ જે 9 વર્ષ જુના છે, 100 નંગ કોમ્પ્યુટર્સ 8 વર્ષ જુના હોય તેને બદલવા ખુબ જ જરૂરી છે. જુના કોમ્પ્યુટર્સ અને પ્રિન્ટર્સ હોવાથી, વિવિધ ખાતાઓની દ્વારા, કોમ્પ્યુટર્સ અને પ્રિન્ટર્સ સ્લો પડવાની ફરિયાદો ઉઠી છે. હાલમાં નવીન ક્લાર્ક, આરોગ્ય વિભાગના વિવિધ સ્ટાફ, વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર જેવી વિવિધ જગ્યા ભરવામાં આવેલ છે. વિવિધ ખાતાઓ/શાખાઓ તરફથી કુલ 430 નંગ કોમ્પ્યુટર્સ, 255 નંગ A4 પ્રિન્ટર્સ અને 104 નંગ ઓલ ઇન વન પ્રિન્ટર્સની માંગણી છે. પરંતુ તારણ કાઢતા હાલ 150 નંગ કોમ્પ્યુટર્સ, 100 નંગ A4 પ્રિન્ટર્સ અને 50 નંગ ઓલ ઇન વન પ્રિન્ટર્સ લેવા જરૂરી જણાય છે. જે બાબતે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા બે ઇજારદારોએ રસ દાખવ્યો હતો. જેમાં “Ab’s Infotel” નામની કંપનીનું ભાવપત્રક અંદાજ કરતા 1.24 ટકા ઓછા મુજબ રૂ.1,51,60,000નું થાય છે. ઇજારદારને ભાવઘટાડો કરવા જણાવતા રૂ,11,750/-નો ભાવઘટાડો કર્યો છે.