‘હું સ્વીકારું છું કે…’, Gold Medal ચૂકી જતાં નીરજનું દર્દ છલકાયું

Share:

Paris,તા.09

પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ માટે ભારતને જો કોઈ પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ હતી તો તે નીરજ ચોપરા હતા. જો કે, આ સ્ટાર ભાલા ફેંકમાં ગોલ્ડ જીતવાથી ચૂકી ગયા હતા. તેણે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ થ્રો તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. આ સાથે જ પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કરીને ગોલ્ડ જીત્યો હતો. આ એક નવો ઓલિમ્પિક રૅકોર્ડ છે. આ પહેલા નીરજે નદીમને દસ મેચમાં હરાવ્યો હતો.

નીરજે ગોલ્ડ મેડલ ન જીતવાનું દુઃખ વ્યક્ત કર્યું 

હાથમાંથી ગોલ્ડ મેડલ સરકી જવાનું દુઃખ વ્યક્ત કરતાંં નીરજે કહ્યું કે, ‘મેં મારું શ્રેષ્ઠ આપ્યું, પરંતુ દરેક ખેલાડીનો દિવસ હોય છે. આજે અરશદનો દિવસ હતો, તો ટોક્યોમાં મારો દિવસ હતો.’ આ સાથે જ નીરજે એક મોટી ભવિષ્યવાણી પણ કરી કે, ભલે હું પેરિસમાં આપણું રાષ્ટ્ર્ગાન ન વગડાવી શક્યો, પણ આ થશે જરૂર. હકીકતમાં જે દેશનો ખેલાડી ગોલ્ડ મેડલ જીતે છે તેનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે.

જે ખામીઓ છે તેને સુધારીશું

26 વર્ષીય નીરજે સિલ્વર મેડલ મેળવ્યા બાદ કહ્યું, ‘જ્યારે પણ દેશ માટે મેડલ જીતીએ છીએ ત્યારે ખુશી થાય છે.’ હવે રમતમાં સુધારો કરવાનો સમય છે. અમે બેસીશું, ચર્ચા કરીશું અને સુધારીશું. જે પણ ખામીઓ હશે, તેને દૂર કરવામાં આવશે. જો એકંદરે જોવામાં આવે તો ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. ટોક્યો સાથે ગોલ્ડ, બ્રોન્ઝ કે સિલ્વર મેડલ જીતવાની સરખામણી કરશો નહીં. દરેક વખતે આપણા મેડલ વધે એ જરૂરી નથી. પરંતુ આવનારા સમય માટે આ સંકેત છે કે આપણા મેડલ વધુ વધશે.’

જ્યારે નીરજને ટોક્યોની સરખામણીમાં પેરિસ ફાઇનલની સ્પર્ધા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘સ્પર્ધા ખૂબ જ હતી. દરેક રમતવીરનો પોતાનો દિવસ હોય છે. આજે અરશદનો દિવસ હતો. પણ ટોક્યો, બુડાપેસ્ટ કે એશિયન ગેમ્સની વાત કરીએ તો એ આપણો દિવસ હતો.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *