Gondal તા.18
રૂપાવટી નજીક શાપરનાં યુવાન ની હત્યાની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી ત્યાં Gondalના કમઢીયામાં યુવાન ની હત્યાનો બનાવ બનતા ફરીવાર Gondalનો ક્રાઇમ રેટ વધવા પામ્યો છે.
કમઢીયા ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતિય યુવકની હત્યાનો બનાવ બનતા તેનો ભેદ ઉકેલવા પોલીસે દોડધામ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કમઢીયાથી દેરડી(કુંભાજી) ગામ તરફ જતા માર્ગે ખીમાભાઈ જાસોલીયાની વાડીમાં મુળ એમપીના અલીરાજપુર જીલ્લાનાં જોબટના અને હાલ ખેતમજુરી કરતા બંસી બાઉ અજનાર(ઉ.30)ની કોઇ અજાણ્યા શખ્સોએ માથા પર બેરહેમીપુર્વક પથ્થરોનાં ઘા મારી હત્યા કરી હતી.
હત્યા બાદ તેની લાશને વાડીમાં ખોદેલા મકાનનાં પાયામાં ફેંકી દિધી હતી. રોડનાં કાંઠે આવેલી વાડીમાં કાંકરીનાં ઢગલા પાસેથી ગોદડુ, લોહીનાં ડાઘવાળા પથ્થરો અને જીજે20 એપી 4198 નંબરનું બાઇક મળી આવતા પોલીસે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવક બંસી બાઉ અજનારે હજુ પાંચ દિવસ પહેલા જમીન વાવેતર માટે રાખેલ હોવાની વિગતો બહાર આવી છે. મૃતક પરણીત હતો. સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ હોવાનું તથા પરીવાર સાથે વાડીમાં રહેતો હતો.
બાજુની યોગેશભાઈ શિયાણી ની વાડીમાં પણ બંશીએ ભાગીયુ વાવવા રાખ્યુ હોય ક્યારેક યોગેશભાઈની વાડીમાં તો ક્યારેક ખીમાભાઇની વાડીમાં પરીવાર સાથે રાતવાસો કરતો હતો.
આ બનાવનાં પગલે કમઢીયાનાં ઉપસરપંચ સહીતનાએ દોડી આવી સુલતાનપુર પોલીસ ને હત્યા અંગેની જાણ કરી હતી. હત્યાની ઘટનામાં કોઇ અંદરની વ્યક્તિ હોવાનું પ્રાથમિક અનુમાન કરાઇ રહ્યુ છે. બનાવનાં પગલે સુલતાનપુર પોલીસ, એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હત્યારાઓ ને શોધવા કવાયત હાથ ધરી છે.