Mumbai,તા.18
ક્રિકેટ જગતમાંથી આઘાત જનક સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટ મેચ રમવા દરમિયાન એક પાકિસ્તાની મૂળના ક્રિકેટરનું નિધન થયું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં બની છે. દુનિયાને અલવિદા કહેનારા મૂળ પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જુનૈદ ઝફર ખાનની ઉંમર 40 વર્ષથી વધારે હતી.
હકીકતમાં જુનૈદ એક ક્લબ લેવલનો ખેલાડી હતો. શનિવારે જ્યારે તે મેચ રમી રહ્યો હતો, ત્યારે 41.7 ડિગ્રી સેલ્સયિસ તાપમાન હતું. આટલી ભીષણ ગરમીમાં જુનૈદે આશરે 40 ઓવર ફીલ્ડિંગ કરી હતી.
પરંતુ મેચ દરમિયાન સાંજે 4 વાગ્યાની આસપાસ તેની તબિયત ખરાબ થઈ હતી, અને તે બેભાન થઈ મેદાનમાં જ ઢળી પડ્યો હતો. તે પછી તરત જ એમ્બ્યુલન્સ બોલવવામાં આવી હતી, પરંતુ તેને ન બચાવી શકાયો. જુનૈદ ઓલ્ડ કોનકોર્ડિયા ક્રિકેટ ક્લબ માટે મેચ રમી રહ્યો હતો. મેચમાં જુનૈદે આશરે 7 ઓવર બેટિંગ પણ કરી હતી. આ દરમિયાન તે 16 રન બનાવીને અણનમ રહ્યો હતો.
જુનૈદની ક્રિકેટ ક્લબે દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, અમે અમારા સ્ટાર મેમ્બરના નિધનથી ખૂબ દુખી છીએ. મેચ દરમિયાન અચાનક તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ હતી. તેને બચાવવા માટે ડોક્ટરોએ ખૂબ જ કોશિશ કરી, પંરતુ તેને ન બચાવી શક્યા. તેમના પરિવાર, મિત્રો અને ટીમના સાથિઓ સાથે અમારી સંવેદના છે.’
એક રિપોર્ટ પ્રમાણે જુનૈદ ટેક સેક્ટરમાં કામ કરવા માટે 2013માં પાકિસ્તાનથી એડિલેડ આવ્યો હતો. તેમને ક્રિકેટમાં ખૂબ જ લગાવ હતો અને ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક ક્લબ માટે ક્રિકેટ રમતો હતો.