બંધારણિય ઈતિહાસના શ્રેષ્ઠ અને સારા પાઠો અમેરિકાના બંધારણમાં આવરી લેવાયા હતા અને ભારતના બંધારણના રચયિતા સહિત અનેક દેશોના બંંધારણમાં તેની નકલ કરવામાં આવી હતી. મુકત અને લોકશાહી ધરાવતા દેશોએ અમેરિકાની આગેવાની હેઠળ એવા નવા વિશ્વની રચના કરવાની ખાતરી આપી હતી જેમાં યુદ્ધ, ગરીબી અને બીમારીનો અંત આવે. તેઓ તેમાં મોટાભાગે સફળ થયા છે. જો કે આ નવી વ્યવસ્થામાં સ્થાનિક યુદ્ધનો અંત લાવી શકાયો નથી. આઠ દાયકાની સંબંધિત શાંતિ, અભૂતપૂર્વ વિકાસ અને વ્યાપક સમૃદ્ધિનો વિશ્વએ અગાઉ કયારેય અનુભવ કર્યો નહતો.
માટે, છેલ્લા ત્રણ વર્ષથી જોવાઈ રહેલા ઘટનાક્રમો આંચકા આપનારા છે એમાંય ખાસ કરીને ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫થી જોવાઈ રહેલા ઘટનાક્રમોને કારણે વિશ્વ સ્વાર્થ અને સરમુખત્યારશાહીમાં ધકેલાઈ જવાનું જોખમ ઊભુ થયું છે.
અમેરિકન પ્રમુખનો હોદ્દો એક અનન્ય છે કારણ કે, તેમને વ્યાપક સ્પષ્ટ અને અસ્પષ્ટ સત્તાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વમાં અમેરિકા ધનાઢય દેશ હોવાથી તેનો પણ પ્રમુખને લાભ મળી રહે છે. આ સત્તાઓનો ઉપયોગ કરી વિલિયમ મેકિન્લેએ અમેરિકાની સરહદો વિસ્તારી હતી અને પ્યુરટો રિકો, ગુઆમ, ધ ફિલિપિન્સ તથા હવાઈને જોડી દીધા હતા. વુડરો વિલ્સનઅને ફ્રેન્કલિન દ્ રુસવેલ્ટે વાણી સ્વતંત્રતાને દબાવી દીધી હતી અને વિદેશીઓ તથા અસંતુષ્ઠોની અટક અથવા દેશનિકાલ કરવા એક્ઝિકયૂટિવ ઓર્ડર્સના ઉપયોગ કર્યા હતા. વોર પાવર્સ એકટ, ૧૯૭૩ હેઠળ અમેરિકન કોંગ્રેસની મંજુરી વગર બરાક ઓબામાએ લિબિયામાં યુદ્ધ શરૂ કર્યું હતું. અન્ય પ્રમુખોએ હોદ્દાની મર્યાદાનો અનુભવ કર્યો હતો.
ડોનાલ્ડ જે. ટ્રમ્પ અમેરિકાના ૪૭માં પ્રમુખ છે. આઠ દાયકાઓ સુધી અમેરિકા વાણી સ્વતંત્રતા, લોકતાંત્રિક તથા વિશ્વ વ્યવસ્થા ચલાવનાર દેશ તરીકે જાણીતો દેશ રહ્યો હતો. શાંતિ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને માનવ હક્કો ના રક્ષણ માટે અસંખ્ય વૈશ્વિક સંસ્થાઓની રચના થઈ હતી. જો કે ટ્રમ્પના શાસનકાળના માત્ર આઠ સપ્તાહની અંદર જ અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) સાથે છેડો ફાડી દીધો છે અને યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટસ કાઉન્સિલ (યુએનએચઆરસી) તથા યુનાઈટેડ નેશન્સ રીલિફ એન્ડ વર્કસ એજન્સીને ભંડોળ અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે. ટ્રમ્પે યુએસએઆઈડી બંધ કરી દીધું છે અને વિશ્વભરમાં અસંખ્ય કાર્યક્રમો અટકાવી દીધા છે. તેઓ કદાચ નાટોમાંથી પણ નીકળી જશે અને યુરોપના સંગઠનોને છોડી દેશે.
ઘરઆંગણે, વિશ્વના ધનાઢય વ્યક્તિ શ્રી. એલન મસ્કના જોરે ટ્રમ્પે અમેરિકાની સરકારના માળખાને તોડી પાડવાનું શરૂ કર્યુ છે. તેમણે હજારો કર્મચારીઓને પાણીચુ આપી દીધું છે અને શિક્ષણ વિભાગ બંધ કરી દેશે તેવી શકયતા છે.
ટ્રમ્પની નવી ઈનિંગમાં મિત્ર (પ્રમુખ ઝેલેન્સ્કી) દૂશમન બની ગયા અને દૂશમન (પુતિન) મિત્ર બની શકે છે. કેનેડાને અમેરિકાના ૫૧માં રાજ્ય બનવા ટ્રમ્પે આમંત્રણ આપ્યું છે અને ગ્રીનલેન્ડને અમેરિકામાં જોડાઈ જવા અનુરોધ કર્યો છે અને સાથોસાથ એક અથવા બીજા રસ્તે તે કબજે કરી લેવાની પણ વાત કરી છે.
દૂશમન ચીન અને મિત્ર ભારત વચ્ચે ટ્રમ્પે કોઈ ફરક રાખ્યો નથી અને તેઓ કરાર કરવા તૈયાર છે. મેં મારા જીવનમાં કરારો જ કર્યા છે, એવી તેમણે બડાઈ હાંકી છે. પ્રમુખ ઝેલેન્સ્કીને આમંત્રિત કર્યા બાદ તેમનું અપમાન કરી તેમને રવાના કરી નાખ્યા પછી ટ્રમ્પે તેમને તેઓ જ્યારે કરાર સહી કરવા તૈયાર હોય ખાસ કરીને મહત્વના મિનરલ્સ માટે તો તે માટે ફરી આમંત્રણ આપ્યું છે. ટ્રમ્પ તેને પે બેક (પરત વાળવા) તરીકે લેખાવે છે.
વિશ્વ માટે સરમુખત્યાર શાસકો એક કલબની રચના કરશે-શ્રી. ટ્રમ્પ, શ્રી. પુતિન અને શ્રી. ઝી. તેઓ પ્રદેશ કબજે કરી લેશે. અમેરિકાની નજર પનામા કેનલ, કેનેડા, ગ્રીનલેન્ડ તથા ગાઝા પર છે. રશિયા જેણે અગાઉ જ ક્રિમિયા, અબખાઝિઆ અને દક્ષિણ ઓસ્સેટિઆ જોડી દીધા છે તે હવે યુક્રેન અને કદાચ જ્યોર્જિયાને કબજે કરવા માગે છે અને તિબેટ તથા હોંગકોંગને બળજબરીપૂર્વક જોડી દઈ તાઈવાન, ભારતના નોંધપાત્ર હિસ્સા અને દક્ષિણ ચાઈના સી તથા તેના ટાપુઓને ચીન હડપ કરવા માગે છે તેમાં કોઈ છૂપુ નથી. આ ત્રણ દેશો વિશ્વને પ્રભાવશાળી વિસ્તારોમાં વિભાજિત કરવાના પ્રયાસ કરશે અને પોતાના પ્રભુત્વવાળા ક્ષેત્રોમાંના સ્રોતોનો વપરાશ કરશે. ભારત ચીન સામે નબળુ પડશે અને અમેરિકા તથા રશિયા આ બેમાંથી કોઈ તેને મદદ નહીં કરે.
ભારત માટે અમેરિકા પાસેથી વધુ શસ્ત્રો ખરીદવાની ફરજ પડશે એટલુ જ નહીં અમેરિકા ખાતેથી નીચા ટેરિફ સાથે વધુ સામાન ખરીદવા ભારત પર દબાણ થશે. અમેરિકા તથા રશિયા વચ્ચે સંબંધમાં સુધારાનો અર્થ ભારતને રશિયા પાસેથી સસ્તા ભાવે ઓઈલ મળતુ બંધ થઈ જશે. બ્રિકસને નબળુ પાડવા ભારત પર દબાણ થશે. કવાડને ચીનના શત્રુ તરીકે જોવાશે નહીં. અમેરિકાના ેપ્રભાવ હેઠળના પાકિસ્તાન તથા બંગલાદેશને નજીક આવવા જણાવાશે. ટ્રમ્પ જો ટેરિફ વોરને ઉગ્ર બનાવશે તો તે નિયમ આધારિત વિશ્વ વેપાર ઊભો કરશે જેમાં ભારતનું અર્થતંત્ર કચડાઈ જશે. જર્મની અને ફ્રાન્સને જેમ ખ્યાલ આવી ગયો છે તેમ, ભારતે પણ પોતાનો બચાવ કરવો પડશે.
મોદી કદાચ એમ વિચારતા હશે કે ટ્રમ્પ સાથેની તેમની દોસ્તી ભારતને ઉગારી શકશે. તો તેવી કોઈ તક નથી. ટ્રમ્પ સ્વાર્થી અને અહંકારી છે અને વૈશ્વિક અર્થતંત્રને કચડવામાંથી પણ અટકશે નહીં. ચાર વર્ષ માટે વિશ્વ અદ્ધર શ્વાસે રહેશે.