PM મોદી તા.30ના નાગપુરમાં: સંઘના કાર્યક્રમમાં હાજરી

Share:

New Delhi,તા.18

ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ તથા ભારતીય જનતા પક્ષ વચ્ચે સર્જાયેલા મતભેદ અને નવા નામની જાહેરાતમાં થઈ રહેલા સતત વિરોધ વચ્ચે હવે તા.30 માર્ચના રોજ નાગપુરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત વચ્ચેની મુલાકાત મહત્વની બની ગઈ છે.

વડાપ્રધાન શ્રી મોદી તા.30 માર્ચના ગુડીપડવાના દિને નાગપુરમાં સંઘના બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની સ્મૃતિમાં એક વિશાળ આંખ હોસ્પીટલનું તથા એક રીસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે.

આ સમયે મંચ પર તેમની સાથે સંઘના વર્તમાન વડા મોહન ભાગવત સહિત સંઘની પ્રથમ હરોળના તમામ ટોચના પદાધિકારીઓ પણ હાજર રહેશે. મહત્વપૂર્ણ એ છે કે શ્રી મોદી નાગપુરના કાર્યક્રમમાં સંઘના વડામથક જશે કે કેમ તેની ચર્ચા છે.

સંઘના સૂત્રોએ કહ્યું કે તા.30 માર્ચના વડાપ્રધાનના કાર્યક્રમ માટે તેઓએ હાજરી આપવા સંમતી આપી છે અને વડાપ્રધાનનું સ્વાગત સંઘના નંબર ટુ (સહકાર્યવાહ) ભૈયાજી જોષી કરશે. શ્રી મોદીએ વડાપ્રધાન બન્યા બાદ હજું સુધી નાગપુરમાં સંઘ વડામથક રેશમબાગ સ્થિત ડો. હેડગેવાર સ્મૃતિભવનની મુલાકાત લીધી નથી.

જો તેઓ હવે સંઘવડામથક જશે તો તેમ કરનાર દેશના પ્રથમ વડાપ્રધાન હશે. શ્રી મોદી અને ભાગવતની મુલાકાતને મહત્વની ગણવામાં આવે છે. સંઘ અને ભાજપ સતત સમન્વય કરીને ચાલતા હોય છે પણ જે રીતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ મુદે દ્વીધાની સ્થિતિ છે તથા અગાઉ અમારે ‘સંઘ’ની હવે જરૂર નથી તેવા જે.પી.નડ્ડાના વિધાનો સંઘને આંચકો આપી ગયા છે તે પછી અનેક અટકળો સર્જાઈ છે. સંઘ આ વર્ષે જ તેની સ્થાપનાના 100 વર્ષ મનાવી રહ્યો છે તે સંદર્ભમાં પણ અનેકવિધ આયોજન છે.

શ્રી મોદી વડાપ્રધાન બન્યા બાદ નાગપુરના આરએસએસના વડામથકે કદી ગયા નથી અને દેશના કોઈ વડાપ્રધાને હેડગેવારભવનની મુલાકાત લીધી નથી તે સૂચક છે. 2023માં શ્રી મોદી નાગપુરમાં એક કેન્દ્રીય ઈન્સ્ટીટયુટના ઉદઘાટન કરવા નાગપુર ગયા હતા ત્યારે પણ તેઓ મને સંઘ વડા અન્ય એક કાર્યક્રમમાં સાથે હાજરી આપવાના હતા. જો કે કર્ણાટક ચુંટણીથી મોદીનો પ્રવાસ રદ થયો અને અમીત શાહ પણ નાગપુરથી દુર રહ્યા છે. એકમાત્ર સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી નિતીન ગડકરી જ સંઘની સૌથી નજીક છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *