Ahmedabad તા.17
રાજકોટ સહિત રાજયના જુદા-જુદા શહેરોમાં સરકાર દ્વારા જાહેર કરાતા અશાંતધારાનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સરકારે આણંદના જુદા-જુદા વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડતા તેને ગેરકાયદે હોવાની દલીલ સાથે રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે અદાલતના ચુકાદા પર નજર રહે તેમ છે અને તેની દુરગામી અસરો થઈ શકે તેમ છે.
રાજ્યના આણંદ શહેરમાં આવેલા અલગ અલગ વિસ્તારોને અશાંત ધારા હેઠળ જાહેર કરવામાં સરકારનાં જાહેરનામાને પડકારતી પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવતા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદી ની ખંડ પીઠે રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને નોટિસ જાહેર કરીને વધુ સુનાવણી તારીખ 25 માર્ચના રોજ રાખી છે.
અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારા હેઠળ મૂકવાના જુદા જુદા ક્રાઈટેરિયાને પાલન કરવામાં આવ્યું નથી અને ગેરકાયદેસર રીતે આ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોવાથી તેને રદબાતલ ઠેરવવા જોઈએ. આ વિસ્તારોમાં પાછળ પાંચ વર્ષમાં કોઈ કોમી રમખાણો થયા નથી
કેસની વિગતો મુજબ અરજદાર અને સામાજિક કાર્યકર કિરણકુમાર સોલંકી ના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા અશાંત ધારા હેઠળ તા.13-1-2025ના જાહેરનામા મારફતે આણંદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોને આગામી પાંચ વર્ષ માટે ડિસ્ટર્બ એરિયા હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. જો કે, સરકારના સત્તાવાળાઓનું આ જાહેરનામું ગેરકાયદે અને અયોગ્ય છે. કારણ કે, તેનાથી લોકોના બંધારણીય અને મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે.
સત્તાવાળાઓ દ્વારા ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ફોર પ્રોટેકશન ઓફ ટેનાન્ટ્સ ફ્રોમ એવીકશન ફ્રોમ પ્રિમાઇસીસ ઇન ડિસ્ટર્બ એરિયા એકટ-1991 અન્વયે આ જાહેરનામું જારી કરવામાં આવ્યું છે પરંતુ આરટીઆઇ હેઠળની માહિતીમાં એ હકીકત સામે આવી છે કે, સત્તાવાળાઓ દ્વારા જે વિસ્તારોને ડિસ્ટર્બ એરિયા જાહેર કરાયા છે તે વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષમાં કોઇ જ કોમી રમખાણો કે તોફાનો થયા નથી. આમ, યાંત્રિક કે બીબાઢાળ રીતે કોઇપણ પ્રકારે આવા ડિસ્ટર્બ એરિયા જાહેર કરી શકાય નહી.
સત્તાવાળાઓના આ પ્રકારના વગર વિચાર્યા નિર્ણયોના કારણે સ્થાનિક લોકો ભયમાં મૂકાય છે અને આ વિસ્તારોમાં આવતા રોકાણો પણ અટકે છે. સાથે સાથે સ્થાનિક નાગરિકોના બંધારણીય અધિકારોનું પણ હનન થાય છે, તેથી હાઇકોર્ટે સરકારના વિવાદીત જાહેરનામાને અયોગ્ય, ગેરકાયદે અને રદબાતલ જાહેર કરવું જોઇએ.