New Delhi,તા.18
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીમાં સતત થઈ રહેલા વિલંબ અને હવે તા.30 માર્ચના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા સંઘવડા મોહન ભાગવત વચ્ચે મુલાકાત સહિતના ફેકટરોની ચર્ચા છે. તા.21 સંઘની પ્રતિનિધિસભા બેંગલુરુમાં શરૂ થનાર છે અને તે બાદ નિર્ણય લેવાશે તેવી ચર્ચા વચ્ચે હવે નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથનું નામ સૌથી આગળ હોવાના અહેવાલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આરએસએસ પ્રથમથી જ એવા ચહેરાની શોધમાં હતો તે સંઘની વિચારધારાને આગળ વધારી શકે છે અને તેમાં યોગી આદીત્યનાથ સૌથી વધુ નજીક હોવાના રીપોર્ટ સંઘને મળ્યા છે.
હાલમાંજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ વચ્ચે દિલ્હીમાં લગભગ 1 કલાક સુધી બેઠક યોજાઈ હતી અને તે બાદ યોગી ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ બનશે તેવા સંકેતો મજબૂત બન્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ 2017માં પણ જયારે ઉતરપ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી પસંદગીમાં અનેક નામો સ્પર્ધામાં હતા.
તે સમયે આખરી ઘડીએ યોગી આદીત્યનાથ જેઓ તે સમયે ગોરખપુરના સાંસદ હતા તેઓને આ ગાદી સોંપવામાં આવી હતી. શ્રી યોગીને ખાસ વિમાન મારફત દિલ્હી બોલાવીને તેઓને જવાબદારી સોંપાઈ રહી હોવાનું જણાવાયુ હતું.
આ સમયે સંઘે ભાજપની પસંદ પર ‘વીટો’ વાપર્યો હતો અને હવે પણ રાષ્ટ્રીય પ્રમુખ માટે તે આજ પ્રકારે નિર્ણય લેવરાવશે તેવુ માનવામાં આવે છે.
જે રીતે સંઘ હવે ભાજપના એક બાદ એક રાજયના વિજયને નિર્ણાયક વળાંકથી પોતાના હાથમાં દૌર લેવા માંગે છે તેમાં યોગી સૌથી ફીટ હોવાનું માનવામાં આવે છે.