વિદેશમાં ભણવાનો ક્રેઝ ગાયબ : શિક્ષણ લોન લેનારા 46 ટકા ઘટયા

Share:

Ahmedabad,તા.18
વિશ્વસ્તરે યુદ્ધ, ટ્રેડવોર જેવા ઘટનાક્રમમાંથી સર્જાયેલા અનિશ્ચિતતાભર્યા માહોલની શૈક્ષણિક ક્ષેત્રે અસર વર્તાય રહી હોય તેમ ગુજરાતમાં શિક્ષણ લોનમાં 46 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના રીપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ત્રિમાસિક ગાળા દરમ્યાન 459 કરોડની શિક્ષણ લોન આપવામાં આવી હતી જે આંકડો આગલા વર્ષના ત્રિમાસિક ગાળામાં 595 કરોડ હતો અને તેમાં 22.8 ટકાનો ઘટાડો થયો છે. આ જ રીતે શિક્ષણ લોન માટે અરજી કરનારા ઘટયા છે. શિક્ષણલોન ખાતા 6505થી ધરીને 3481 થયા છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે જાણીતા અભ્યાસક્રમો ધરાવતા દેશોએ વિઝા નિયમો કડક બનાવ્યા હોવાથી વિદ્યાર્થીઓને વિદેશમાં જવાનું મુશ્કેલ બની રહ્યું છે. વિવિધ દેશોના દુતાવાસો પ્રોસેસીંગમાં પણ મોટો સમય લઈ રહ્યા હોવાથી વિદ્યાર્થીઓને સમયસર પ્રવેશ મેળવવાનુ પણ અઘરુ થયુ છે.

કડક નિયમો વચ્ચે અભ્યાસ માટે વિદેશ જવાનું ટાળવા લાગ્યા છે. વિવિધ રાષ્ટ્રોએ નીતિમાં બદલાવ કર્યો હોવાથી કાયમી નાગરિકતા ન મેળવી શકનારા લોકો પણ પાછા આવવા લાગ્યા છે. આ તમામ ઘટનાક્રમોએ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓનું મનોબળ ભાંગી ગયુ છે.

આ સિવાય વૈશ્વિક સ્તરે આર્થિક ચિત્ર ડામાડોળ બન્યુ છે અને રોજગારીની સમસ્યા છે. પરિણામે વિદેશ ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ એકદમ સાવચેત બની ગયા છે.

સૂત્રોના કહેવા પ્રમાણે ડામાડોળ આર્થિક ચિત્ર, વિદેશોમાં વધતી શિક્ષણ ફી- મોંઘવારી જેવા કારણોએ પણ વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવાના પ્લાન પર પુર્નવિચાર કરવા લાગ્યા છે. થોડા વર્ષો પુર્વે વિદેશમાં ભણવા જવાનું એક ફાયદાવાળુ રોકાણ ગણાતુ હતુ. અભ્યાસ બાદ સારી રોજગારી મળતી હતી પરંતુ હવે ઈમીગ્રેશન નીતિમાં બદલાવ તથા અભ્યાસ બાદ નોકરી મળવામાં તકલીફોને કારણે કોઈ આકર્ષણ રહ્યુ નથી.

અભ્યાસ ખર્ચમાં પણ મોટો વધારો છે. ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે પણ વિદેશમાં ભણવાનું મોંઘુ બની રહ્યું છે. ભૂતકાળમાં વિદેશ અભ્યાસ કરતા સારા પગારની નોકરીની ગણતરીએ જંગી લોન લેવામાં કોઈ ખચકાટ ન હતો. હવે વિદ્યાર્થીઓ વધુ સાવચેત બન્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *