Mumbai, તા.18
બોલિવૂડના શહેનશાહ અનેકવાર પોતાના કામ થી લોકોને આશ્ર્ચર્યમાં મૂકે છે ત્યારે આ વખતે તેઓએ બોલિવુડના કિંગખાનને પાછળ છોડી દીધા છે. 82 વર્ષની ઉંમરે પણ અભિનેતા તેના આગામી પ્રોજેક્ટ્સ પર કામ કરતા જોવા મળે છે. મોટા પડદા સિવાય ટીવી પર પણ તેમનો જાદુ જોઈ શકાય છે.
બિગ બી લાંબા સમયથી સોની ટીવીના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરી રહ્યા છે. બોલિવૂડના કોરિડોરમાં એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં શાહરૂખ ખાનનું નામ સામેલ છે. દર વર્ષે કલાકારો કરોડોનો ઈન્કમ ટેક્સ ચૂકવે છે, પરંતુ હવે કિંગખાનનો રેકોર્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચને તોડ્યો છે.
82 વર્ષની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન કામને પ્રાથમિકતા આપે છે. આ દિવસોમાં પણ તેઓ પોતાના આગામી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે, પરંતુ તેમની સાથે જોડાયેલી એક માહિતીએ બધાને ચોંકાવી દીધા છે. આ તેમના ટેક્સ ફાઇલિંગ સાથે સંબંધિત છે. બિગ બીએ નાણાકીય વર્ષ 2024-25 માટે 120 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
તેમની કમાણી ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટિંગથી થાય છે. આ નાણાકીય વર્ષમાં અમિતાભ બચ્ચને 350 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બિગ બીએ 15 માર્ચ 2025ના રોજ 52.50 કરોડ રૂપિયાનો બાકી ટેક્સ ચૂકવ્યો છે.
આ વર્ષે 120 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યા બાદ તેમણે શાહરૂખ ખાનને પાછળ છોડી દીધો છે. વાસ્તવમાં શાહરૂખે ગયા વર્ષે 92 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભર્યો હતો.