Rajkot, તા.15
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂ અને શુક્રવારે હોળી તથા ધૂળેટી પર્વની ધર્મમય તથા રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગઇકાલે દ્વારકાથી માંડી રાજકોટ સુધી લોકોએ રંગોત્સવ ઉજવ્યો હતો. રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, સાળંગપુર સહિતના શહેરોમાં મંદિરોથી માંડી રસ્તા પર રંગોની છોળો ઉડી હતી.
રાજકોટમાં યુવક-યુવતીઓ સવારથી બપોર સુધી મન મૂકીને રંગે રમતા હતા અને ડી.જે.ના સંગીત સાથે પણ જલ્સો કર્યો હતો. .
દ્વારકાધીશ મંદિરમાં જયોતિષ શાસ્ત્ર મુજબ આ વર્ષે આગળ માસની પૂર્ણિમાની તિથિ તા. 13 મી માર્ચે સવારે 10:35 થી 14 માર્ચે રાત્રે 12:23 સુધી હોય, હિન્દુ પરંપરા અનુસાર તેમજ દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ઉદયા તિથિ અનુસાર ઉત્સવની સામાન્યત: ઉજવણી માં ગઈકાલે શુક્રવારે પૂર્ણિમા પર્વ ઉજવાયો હતો. આજે સવારે 6 વાગ્યે મંગલા આરતી યોજાઈ હતી. ત્યારે બાદ બપોરે 1 વાગ્યા સુધી ઠાકોરજીનો ક્રમ જળવાયો હતો.
આ ઉપરાંત બપોરે 1:30 વાગ્યે કુલડોલ પર્વની ઉત્સવ આરતી યોજાયા બાદ ભાવિકો ઠાકોરજી સંગ બપોરે 2:30 વાગ્યા સુધી ફુલડોલ ઉત્સવ મનાવવા પગપાળા તથા અન્ય માર્ગોથી દ્વારકા પધારેલ હજારો ભાવિકો ઠાકોરજી સન્મુખ અબીલ ગુલાલથી ફુલડોલ પર્વની ઉજવણી કરી હતી.
દ્વારકા તેમજ બેટ દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો દર્શનાર્થે આવ્યા હોય તેમની સુરક્ષા અને સલામતી અને સગવડતા કાજે વહીવટી તંત્રે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. આ દરમ્યાન મંદિરના ફુલડોલ ઉત્સવમાં ભાવિકોના ઘોડાપુર તેમજ પેનોરેમીક વ્યુ સાથેના આકર્ષક અવકાશી ડ્રોન વ્યુ ખૂબ જ દર્શનીય બની રહ્યા હતા.
ઉત્સાહ અને ઉમંગમાં પર્વ ધુળેટીની શુક્રવારે ખંભાળિયામાં લોકોને મન ભરીને ઉજવણી કરી હતી. ધુળેટી પર્વ નિમિત્તે ગઈકાલે સવારથી યુવા હૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધુળેટીના દિને યુવાઓ તેમજ બાળકોએ પોતાના ગ્રુપ-સર્કલ સાથે વિવિધ રંગો એકબીજા પર ઉડાડીને “હોલી હૈ” ચિચિયારીઓ સાથે આનંદ ભરી ઉજવણી કરી હતી.
આ પ્રસંગે સૌએ એકબીજાને વિવિધ રંગે રંગી અને ધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અહીંના જુદા જુદા મંદિરોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગઈકાલે દિવસ દરમિયાન શહેરમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ રૂપે પર્યાવરણ ને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સજોડે વિધિવત પૂજન કરીને હોલિકા પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટ પરિવાર, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, અને શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો જોડાયા હતા.
આ વૈદિક હોલિકા દહનમાં સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ, ગીર ગાયનું ઘી, સમિધ કાષ્ઠ, સાત પ્રકારના અનાજ, કપૂર અને વિવિધ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવેલ. શાસ્ત્રોકત દૃષ્ટિએ તેમજ આયુર્વેદ અનુસાર ઉપરોક્ત સામગ્રીઓનું દહન પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે વાત, પિત્ત અને કફના દોષોને પણ દૂર કરનાર છે. આ પવિત્ર દ્રવ્યોથી હોલિકા દહન કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
આ પ્રસંગે સૌએ મળીને હોલિકમાં પ્રજ્વલિત અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમ ના માધ્યમથી વૈદિક હોલિકા પદ્ધતિને અને વૈદિક સંસ્કૃતિને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરમાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી થઈ હતી. શહેરના દરેક વિસ્તારમાં લોકોએ એકબીજાને રંગોથી રંગી ઉલ્લાસભેર પર્વની ઉજવણી કરી હતી.
શહેરના રૂપાણી સર્કલથી આતાભાઈ ચોક સુધીના વિસ્તારમાં યુવાનોએ ખાસ ઉત્સાહ દાખવ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા. તેઓએ મિત્રો અને પરિવાર સાથે ગુલાલ અને રંગોથી એકબીજાને રંગ્યા હતા.શહેરના વિવિધ વિસ્તારો જેવા કે કુંભારવાડા, રિંગરોડ, ઘોઘા સર્કલ, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ, પાણી ટાંકી, કળિયાબીડ, હિમાલીયા મોલ અને જેવલર્સ સર્કલ પર લોકોએ સામૂહિક ઉજવણી કરી હતી.
વિદ્યાર્થીઓએ ડીજેના તાલે નાચીને ઉજવણીમાં ભાગ લીધો હતો. વડીલોથી માંડીને બાળકો સુધી દરેક વયના લોકોએ આનંદથી ભાગ લીધો હતો. કેટલાક પાર્ટી પ્લોટમાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ધુળેટીના તહેવાર નિમિત્તે ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં પણ ભીડ જોવા મળી હતી. ઉંધીયું, શીખંડ, મઠો અને ખમણ જેવી વાનગીઓની સારી માંગ રહી હતી. ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ તેમના નિવાસસ્થાન ને પરિવારજનો અને મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી.
જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે હોલીકા દહન કરવામાં આવ્યું હતું. આજે શુભમુર્હૂતે હવેલી પ્રગટાવવામાં આવી હતી. દુહા-છંદ અને ભજનની રમઝટ વચ્ચે ગામનાં ભાઇ બહેનો બાળકોએ હોળી માતાનાં દર્શન કર્યા હતા.
સલાયા કસ્ટમ હાઉસ પાસે સલાયાની સૌથી પૌરાણિક હોળી જે હાસમશાહ અને માસુમશાહ પીરની મસ્જિદ પાસે મનાવાય છે.
આ હોળી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે. આ હોળીનું આયોજનમાં સલાયા હરસિદ્ધિ મંદિરના મહંત અશોકપુરી ગૌસ્વામી ,લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલ,શહેર ભાજપના પ્રમુખ લાલજીભાઈ ભૂવા,સલાયા સાધુ સમાજના પ્રમુખ દિવ્યેશપુરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવે છે. આ હોળી હિન્દુ સમાજના લોકો પૂજન અર્ચન કરે જ છે સાથે મુસ્લિમ સમાજના લોકો પણ અહીં શ્રીફળ હોમવા આવે છે. આમ આ હોળી હિન્દુ મુસ્લિમ સમાજના એકતાનું પ્રતિક છે.
હોળીના પવિત્ર દિવસે કે જે પટેલ હાઇસ્કુલના મેદાનમાં હોલિકા દહન નો કાર્યક્રમ સંપન્ન થયેલ આ કાર્યક્રમમાં ગ્રામજનો હોળીના દર્શન કરવા ઉમટી પડેલ હતા તેમજ હોલિકા માતાની. પ્રદક્ષિણા કરીને તમામની મનોકામના પૂર્ણ થાય તથા સર્વેને આરોગ્યમય તેમ જ સુખી સંપન્ન રાખે તેવી પ્રાર્થના સાથે દર્શન કરેલા આ સાથે ફુલજર સોસાયટી તેમજ ખારચીયા રોડ પાસે આવેલા મેદાનમાં પણ હોલિકા દહન નો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેમાં પણ ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં હોલિકા દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી.
શ્રી સુવાસીની વિદ્યામંદિર શાળા બોટાદ ખાતે ધુળેટી પર્વ અંતર્ગત “રંગારંગ રંગોત્સવ” ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના પ્રાંગણમાં ધોરણ 1 થી 8 અને માધ્યમિક અને ઉચ્ચતર વિભાગના ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થીઓએ એકબીજાને અબીલ, ગુલાલ, ચંદન છાંટીને આ પર્વ આનંદ ઉલ્લાસ પૂર્વક ઉજવ્યું હતું. તેમાં ધોરણ 1 થી 5 ના નાના ભૂલકાઓએ સાથે લાવેલી પિચકારીઓ વડે તેમજ વિવિધ રંગો વડે એકબીજાને રંગીને વધુ વિશેષ આનંદ પ્રાપ્ત કર્યો હતો.આ રંગોત્સવમાં શાળાના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આમ, શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોના સંપૂર્ણ સાથ સહકારથી આ રંગોત્સવ રંગેસંગે ઉજવાયો હતો.