New Delhi,તા.13
લોકસભા ચૂંટણીમાં થોડી પીછેહઠ પરંતુ બાદમાં એક બાદ એક રાજયોની ધારાસભા ચૂંટણીઓમાં જબરી ફતેહ બાદ ભાજપે તેના રાષ્ટ્રીયથી પ્રાદેશિક સંગઠન માળખામાં ફેરફારથી શરૂ કરેલી પ્રક્રિયામાં અગાઉથી જ વિલંબમાં દોડી રહી હતી. રાષ્ટ્રીય તથા ગુજરાત સહિતના અનેક રાજયોના પ્રદેશ પ્રમુખો સહિતના સંગઠનની નવરચના ગાડી હવે વધુ મોડી પડશે.
પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ નકકી કરવામાં અને સંગઠનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વધેલી ભૂમિકા વચ્ચે નવા રાષ્ટ્રીય પ્રમુખના નામ પર ભાજપ-સંઘ વચ્ચે કોઈ સંમતી ન થતા હવે વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાને વધુ 40 દિવસનું એકસટેન્શન અપાયુ છે. શ્રી નડ્ડાનો કાર્યક્રમ જુલાઈ 2023માંજ પુરો થયો હતો પણ લોકસભા ચૂંટણીના કારણે તેમાં એક વર્ષનો વધારો કરાયો હતો અને ત્યારબાદ પણ શ્રી નડ્ડા એકસટેન્શન પર જ હતા.
આવી જ સ્થિતિ ગુજરાતમાં સી.આર.પાટીલ સહિત અનેક રાજયોના પ્રદેશ પ્રમુખોની છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ભાજપે જે જે નામ આરએસએસ સમક્ષ રજુ કર્યા તે તમામ પર સંઘે ચોકડી મારી દીધી છે. વાસ્તવમાં જે.પી.નડ્ડાથી પણ સંઘ બહું સંતુષ્ટ ન હતો. તેમાં હવે તેનાથી પણ ઓછી ક્ષમતાવાળા ચહેરાને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં સંઘ જરાપણ મચક આપવા માંગતો હતો. આમ સંઘ-ભાજપ હવે લગભગ સામસામા આવી ગયા છે અને તેથી નવા અધ્યક્ષનું નામ હવે 20 એપ્રિલ કે તે બાદ જ નકકી થશે.
સંઘ લાંબા સમયથી ભાજપની આંતરિક બાબતોથી દુર રહ્યો હતો પણ જે રીતે લોકસભા ચૂંટણીમાં ભાજપને ખુદની બહુમતી ન મળી તે પછી તેના માટે સંઘના શરણે જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો અને સંઘ પણ પોતાની શરતે ભાજપને મદદ કરવા માંગે છે. ભાજપે હજુ તેના બંધારણ મુજબ અડધાથી વધુ રાજયામાં નવા પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠનની રચના કરવાની છે.
જેમાં ગુજરાતમાં ધુળેટી પછી ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળશે તેવી ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરએસએસ એ અનેક સલાહ આપી હતી પણ ભાજપે તે સ્વીકારી નથી. સંઘ માને છે કે હવે વધુ દબાણ લાવવું તે સંઘની મર્યાદા બહારની વાત છે. જે તે મર્યાદા છોડવા માંગતુ નથી.
સંઘ પોતાની રીતે પોતાની જવાબદારી બજાવશે. સંઘ એવા ચહેરાને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે મુકવા મંગે છે જે તેના માટે ભરોસાપાત્ર હોય તે જરૂરી છે. નડ્ડાએ જે રીતે લોકસભા ચૂંટણી સમયે અમારે હવે સંઘની જરૂર નથી તે વિધાન સંઘના હૃદયમાં સોસરવા ઉતરી ગયા છે અને તેના પરિણામ ભાજપને મળી ગયા છે.
આમ તે સમયથી જ સંઘ-ભાજપ વચ્ચે તિરાડ બની ગઈ હતી છતાં સંઘે વિશાળ હિતમાં રાજયોની ચૂંટણીમાં ભાજપને મદદ કરી હતી જે ભાજપ માટે મહત્વની પુરવાર થઈ છે. તા.21થી23 માર્ચ બેંગલુરુમાં સંઘની પ્રતિનિધિ સભાની મહત્વની બેઠક યોજાનારી છે. જેમાં એક વર્ષના લક્ષ્યાંક નિશ્ર્ચિત થાય છે. તેમાં નડ્ડાને હવે કઈ રીતે આવકારવા તે પણ પ્રશ્ન છે.
આ બેઠકની લાઈમાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પણ ચર્ચા થશે. સંઘ એવા જ વ્યક્તિને નવા રાષ્ટ્રીય પ્રમુખ જોવા માંગે છે જેનું બેકગ્રાઉન્ડ સંગઠનનું જ હોય તે જરૂરી છે અને સંગઠનને પણ તેમાં ભરોસો હોય તે પણ જરૂરી છે. જેમાં શિવરાજ ચૌહાણ અને મનોરલાલ ખટ્ટરના નામ છે પણ તેમાં કેટલા લોકપ્રિય છે તે પણ પ્રશ્ન છે તો વધુ એક ચર્ચા મહિલા પ્રમુખની છે જે રીતે ભાજપે એક બાદ એક ચુંટણીમાં મહિલાઓના મતો પર મોટો આધાર રાખીને વિજય મેળવશે તેથી 2029માં તે મહત્વની ભૂમિકા ભજવશે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અંગે સંઘ દ્વારા જે રીતે પોતાની પસંદગીના વ્યક્તિને નિયુક્ત કરવાનું જોર લગાવાઈ રહ્યું છે તેની પાછળ લોકસભા ચૂંટણીમાં ભાજપને જે રીતે પછડાટ મળી અથવા તો કહો કે ખુદ પક્ષ તેની બહુમતી ન મેળવી શકયો તેની પાછળ આરએસએસની નિષ્ક્રીયતાને પણ એક કારણ ગણાવાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ત્યારબાદ હરિયાણાથી મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી ભાજપે જે વિજય મેળવ્યો તેની પાછળ સંઘની સક્રીયતાને યશ અપાય છે પણ ભાજપના સૂત્રોએ તે અંગે સ્પષ્ટ કહ્યું કે હરિયાણામાં અમીત શાહ અને તેની ટીમ સતત ત્રણ મહિના જમીન પર રહી હતી. મહારાષ્ટ્રમાં પણ આ જ ટીમે કામ કર્યુ હતું અને તેથી મીડીયા જે એવી વાત ચગાવાઈ રહી છે કે સંઘના કારણે ભાજપને વિધાનસભા ચૂંટણીમાં વિજય મળ્યો છે તે અર્ધસત્ય છે.
ચોકકસપણે સંઘની ભૂમિકા રહી છે તેનાથી ભાજપની ભૂમિકા ઘટી જતી નથી. સંઘ અને ભાજપ સાથે મળીને કામ કરે તો જ વિજય શકય છે. ફકત અમીત શાહ કે ફકત સંઘ પોતાની રીતે આ જાદુ કરી શકે નહી. જયાં સુધી એકસટેન્શનની વાત છે ત્યાં સુધી તેઓ 2023થી એકસટેન્શનમાં છે. તેમના એકસટેન્શનને ધાર્મિક કનેકશન હોવાનું માનવામાં આવે છે.
જો કે હોળાષ્ટક પુરા થઈ ગયા છે પરંતુ 14 માર્ચથી 14 એપ્રિલ સુધી ખરમાશ રહે છે એટલે કે હોળાષ્ટક અને ખરમાશમાં કોઈ શુભકાર્યની શરુઆત થતી નથી. ખરમાશ એ હિન્દુઓ માટે બહુ મહત્વનું છે તેઓ દાવો કરતા ભાજપના સૂત્રોએ કહ્યું કે આ સમયમાં લગ્ન, સગાઈ, નવુ મકાન ખરીદવા કે અન્ય મોટી ખરીદી ટાળવામાં આવે છે.