Rajkot, તા. 13
તા. 6 માર્ચથી શરૂ થયેલા 8 દિવસના હોળાષ્ટક કે જે સમયમાં ગ્રહોની શુભ દશા હોતી નથી તેથી શુભકાર્યો હાથ ધરાતા નથી તે આજે પૂર્ણ થશે પરંતુ, આ સાથે જ તા. 14ના સાંજે 6-51 વાગ્યે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થશે. હિન્દુ સૂર્ય કેલેન્ડર મૂજબ આ અંતિમ માસ ગણાય છે અને આ દિવસે મીનારક કમુહુર્તા શરૂ થતા હોય છે.આ સમયમાં સામાન્ય રીતે લગ્નના મુહુર્ત હોતા નથી.
આ ઉપરાંત માર્ચ માસમાં આ વર્ષે બે ગ્રહણો છે. તા. 14ના ધુળેટીના દિવસે બપોરના સમયે ચંદ્રગ્રહણ છે પરંતુ, તે ભારતમાં દેખાશે નહીં તેથી સૂતક પાળવામાં આવશે નહીં.એટલે કે તેની કોઈ અસર રહેશે નહીં. જ્યારે તા. 29ના સૂર્યગ્રહણ છે.
આજે સવારથી પુનમ તો શરૂ થઈ જાય છે પરંતુ, આ વર્ષે ભદ્રા નામનું કરણ જે સવારે 10-35 થી શરૂ થઈને રાત્રિના 11-26 વાગ્યા સુધી છે. ભદ્રાના કાળમાં શાસ્ત્રીજીઓ હોલિકા દહનનું મુહૂર્ત આપતા નથી હોતા. જે કારણે હોળી પ્રગટાવવા માટે આ વર્ષે મુહૂર્ત રાત્રિના 11.27 થી 12.56 સુધીના અપાયા છે.એટલે કે મુહૂર્ત મૂજબ હોળી આ વર્ષે મોડી રાત્રિના પ્રગટાવાશે. જો કે ધર્મસ્થળોએ આગવી પરંપરામૂજબ સૂર્યાસ્ત પછી હોલિકાદહન થતું હોય છે.