New Delhi,તા.13
અમેરિકાનાં શેરબજારમાં સોમવારે આવેલાં ઘટાડાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. નાસ્ડેક લગભગ 4% ઘટ્યો હતો. તે તેનાં 6 મહિનાનાં નીચલા સ્તર પર આવી ગયો છે. તે જ સમયે, એસએન્ડપી 500 ઇન્ડેક્સ તેની ફેબ્રુઆરીની ઊંચી સપાટીથી 8 ટકાથી વધુ ઘટ્યો હતો. તે તેના ઓલ-ટાઇમ હાઇથી 10 ટકાથી વધુ નીચે છે.
અમેરિકી બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ માનવામાં આવી રહી છે. આ માર્કેટ ડેવલપમેન્ટથી અમેરિકામાં મંદીની આશંકા વધી છે. આની અસર ભારત સહિત દુનિયાભરનાં બજારો પર પડી શકે છે. મંદી આવે તો તેનાં પરિણામો ગંભીર આવી શકે છે. લાખો લોકો તેમની નોકરી ગુમાવી શકે છે, વ્યવસાયો બંધ થઈ શકે છે અને દેવું વધી શકે છે
અમેરિકી અર્થવ્યવસ્થામાં મંદીનો વધતો ડર રોકાણકારો માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. ગોલ્ડમેન સાક્સે મંદીની સંભાવના 15 ટકાથી વધારીને 20 ટકા કરી દીધી છે, જ્યારે જેપી મોર્ગને તેને વધુ વધારીને 40 ટકા કરી દીધી છે. ફિચ રેટિંગ્સમાં અમેરિકાનાં પ્રાદેશિક અર્થશાસ્ત્રના વડા ઓલુ સોનોલાએ જણાવ્યું હતું કે મંદીનું જોખમ વાસ્તવિક છે. તે એક જોખમ છે જેને તમે અવગણી શકતાં નથી. યુ.એસ.ના વેપાર યુદ્ધની આર્થિક અસર અંગેની અનિશ્ચિતતાએ આ ભયને વધુ તીવ્ર બનાવ્યો છે. આનાથી બજારનું તીવ્ર ધોવાણ થયું છે. જાણકારોના મતે ટ્રેડ વોર બંધ નહીં થાય તો અમેરિકામાં મંદી આવી શકે છે. તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળશે.
અર્થશાસ્ત્રીઓ મંદી માટે એક સરળ વ્યાખ્યાનો ઉપયોગ કરે છે – સતત બે ત્રિમાસિક ગાળા માટે આર્થિક સંકોચન. જો કે યુ.એસ. હજી સુધી તે તબક્કે પહોંચ્યું નથી, ત્યાં ચેતવણીના સંકેતો છે. ગ્રાહકોનો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે, રોજગારીનો વિકાસ ધીમો પડી રહ્યો છે અને વ્યવસાયો રોકાણમાં કાપ મૂકી રહ્યાં છે.
અમેરિકામાં મંદીનાં કારણે ભારત પર પણ તેની મોટી અસર પડશે. પહેલું, ભારતીય શેરબજારમાં હજુ ઘટાડો આવી શકે છે. ભારતીય શેરબજાર પહેલાથી જ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લાં 6 મહિનામાં સેન્સેક્સમાં 9 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.બીજી તરફ ભારતનાં આઇટી અને ફાર્મા જેવાં સેક્ટર્સ મોટા પ્રમાણમાં નિકાસ પર નિર્ભર છે. ટ્રમ્પની બીજા કાર્યકાળની નીતિઓ મદદ કરી રહી નથી. અમેરિકામાં મંદીની આ સેક્ટર્સ પર ખરાબ અસર પડશે, જેની નકારાત્મક અસર પડી શકે છે.