Ahmedabad, તા.13
રાજ્ય વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના રૂ.7668 કરોડના વિભાગીય બજેટ (માંગણીઓ) રજૂ કરાયું હતું. જેના ઉપર ચર્ચા હાથ ધરાયા બાદ મંત્રીના જવાબ પછી આ વિભાગનું બજેટ વિધાનસભા ગૃહમાં મંજૂર કરાયું હતું.
વિધાનસભા ગૃહમાં આ વિભાગની ચર્ચામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની ગેરહાજરીમાં તેમના વતી રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જવાબ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની મહિલાઓ પુરૂષ સમોવડી થઈને પોતાના ગામ-શહેરથી દૂર જઈને અન્ય શહેરોમાં કામગીરી કરી રહી છે. આવી વર્કિંગ મહિલાઓ માટે રાજ્ય સરકારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં એક-એક અને વડોદરા-સુરતમાં બે-બે મળીને કુલ 7 વર્કિંગ વિમેન્સ હોસ્ટલ બનાવશે.
જ્યાં વર્કિંગ મહિલાઓને નજીવા ખર્ચે સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણ સાથે ભોજનાલય ઉપરાંતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પડાશે. રાજ્યની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાતની 16.49 લાખથી વધુ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ. 1250ની સહાય, એટલે કે, વાર્ષિક રૂ. 14 કરોડથી વધુની સહાય આ ગંગા સ્વરૂપા બહેનોના બેંક ખાતામાં જમા થઈ રહી છે.
મહિલાઓને હિંસાથી બચાવવા અને કાયદાકીય સહાય ઉપરાંત આશ્રય આપવા માટે રાજ્યમાં 35 સખી વન સ્ટોપ કેન્દ્રો કાર્યરત છે. દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા વ્હાલી દીકરી યોજના કાર્યરત છે. જે અંતર્ગત એક દીકરીને વિવિધ તબક્કે મળી કુલ રૂ. 1.10 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.