જેનો અંદેશો હતો એ જ થયું. સંસદના બજેટ સત્રના બીજા ચરણની શરૂઆત હંગામાથી થઈ. જે મુદ્દા પર હોબાળો મચ્યો તેમાં નવી શિક્ષણ નીતિ પણ સામેલ છે. એનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોય કે નવી શિક્ષણ નીતિને પક્ષાપક્ષીના રાજકીય હિતો સાથે જોડીને જોવામાં આવે છે અને કેટલાક રાજ્યો દ્વારા તેનો માત્ર એટલા માટે વિરોધ કરવામાં આવે છે, જેથી લોકોની ભાવનાઓને ઉશ્કેરીને રાજકીય લાભ ખાટી શકાય. નવી શિક્ષણ નીતિનો સૌથી વધુ વિરોધ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન દ્વારા કરાઈ રહ્યો છે. આ વિરોધ પાછળ નિમ્ન રાજકારણ છે. સ્ટાલિનને સૌથી વધારે વાંધો નવી શિક્ષણ નીતિના ત્રિભાષા ફોર્મ્યૂલા પર છે. આ ફોર્મ્યૂલા નવી નથી. તે ૧૯૬૮માં જ બની ગઈ હતી. તેમાં એ જોગવાઈ હતી કે બિનહિંદી ભાષી રાજ્યો પોતાની સ્થાનિક ભાષા અને અંગ્રેજીની સાથે ત્રીજી ભાષા રૂપે હિંદી ભણાવશે. એ ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ની નવી શિક્ષણ નીતિમાં હિંદીની અનિવાર્યતા ખતમ કરી દેવામાં આવી છે. ત્યારબાદ પણ સ્ટાલિન એવી બૂમરાણ મચાવી રહ્યા છે કે ત્રિભાષા ફોર્મ્યૂલા દ્વારા મોદી સરકાર તમિલનાડુ પર હિંદી થોપવા માગે છે. આ નિતાંત જૂઠ્ઠાણું છે અને તેનો ઉદ્દેશ્ય લોકોને ભરમાવવાનો છે.
તમિલનાડુમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. સ્ટાલિન આ ચૂંટણીઓમાં પોતાના પક્ષમાં માહોલ ઊભો કરવા માટે જ નવી શિક્ષણ નીતિનો વિરોધ કરી રહ્યા છે. સમસ્યા એ છે કે તેના માટે તેઓ જૂઠ્ઠું બોલવાથી પણ ચૂકતા નથી. સંકીર્ણ રાજકીય સ્વાર્થોના ચક્કરમાં તેમણે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે કે હિંદીની સાથે જ સંસ્કૃત પર પણ વાંધો ઉઠાવી રહ્યા છે. હિંદી વિરોધ સિવાય તેમણે પરિસીમનને લઈને પણ એવો માહોલ બનાવવો શરૂ કરી દીધો છે કે તેનાથી દિક્ષણનાં રાજ્યોએ રાજકીય ક્ષતિ ઉઠાવવી પડશે. જોકે વડાપ્રધાન અને ગૃહમંત્રી એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે પરિસીમનથી કોઈ રાજ્યને કોઈ નુક્સાન નહીં થવા દેવામાં આવે, પરંતુ સ્ટાલિન એવું જ થવાનો હાઉ ઊભો કરવામાં પડ્યા છે. એ સાચું કે લોકસભા સીટોનું પરિસીમન પ્રસ્તાવિત છે, પરંતુ એ તો ત્યારે થશે, જ્યારે જનગણના થશે. જ્યારે હજુ જનગણના જ નથી થઈ અને ના એ નક્કી થયું છે કે તે કયા આધાર પર થશે, તો પછી સ્ટાલિન તેને લઈને લોકોને ઉશ્કેરી કેમ રહ્યા છે? એનાથી ખરાબ વાત બીજી કશી નથી કે ડીએમકે નેતા શિક્ષણ નીતિને પોતાની સસ્તી રાજનીતિનો વિષય બનાવે અને તે પણ જૂઠ્ઠાણાંનો સહારો લઈને. તેમને એવું કરવાથી રોકવા જ જોઇએ, કારણ કે ત્રિભાષા ફોર્મ્યૂલામાં હિંદીનો ઉલ્લેખ સુદ્ઘાં નથી. જો સ્ટાલિનને વિશ્વાસ ન હોય તો તેમણે નવી શિક્ષણ નીતિ તૈયાર કરનારી સમિતિના પ્રમુખ કે.કસ્તૂરીરંગનનો સંપર્ક કરવો જોઇએ, જેઓ ખુદ તમિલ છે. પરંતુ સ્ટાલિનને તો જૂઠ્ઠાણાની જ રાજનીતિ કરવી છે અને લોકોની લાગણીઓ ઉશ્કેરીને તેનો લાભ ખાટવો છે.