ભારતમાં સૌથી વધુ લોકપ્રિય તહેવારમાંનો એક એવી હોળી નજીક આવી રહી છે. આ રંગીન ઉત્સવ વિશે દેશના જુદા જુદા ભાગમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે. માર્ચમાં આવતો આ તહેવાર વસંતઋતુના આગમનનો સંકેત આપે છે. આ તહેવાર સાથે કડકડતી ઠંડીના દિવસો પૂરા થાય છે અને ગરમીની મોસમનો આરંભ થાય છે.
હોળીમાં લોકો રંગો અને રંગયુક્ત પાણીથી એકબીજાને રંગીને આનંદ મનાવે છે. હોળી ખરેખર આનંદદાયક ઉત્સવ છે, પરંતુ આ સાથે તેમાં કાળજી પણ લેવી જોઈએ. અન્યથા મોટું જોખમ ઊભું થઈ શકે છે. ઘણા લોકો હોળી મનાવવાની આતુરતાથી વાટ જોતા હોય છે, પરંતુ તે માટેની તૈયારી ઘણા ઓછા લોકો કરતા હોય છે.
તો હોળી માટે કેવી તૈયારી કરવી જોઈએ એવો સવાલ કોઈને પણ થયા વિના રહેશે નહીં. તેનો જવાબ આ રહ્યો
હોળીમાં નૈસર્ગિક/ત્વચા મૈત્રીપૂર્ણ અને હર્બલ રંગો અથવા નામાંકિત કંપનીઓ દ્વારા નિર્માણ કરાયેલી નૈસર્ગિક પ્રોડક્ટસનો જ ઉપયોગ કરવો. તે સુરક્ષિત હોય છે અને ત્વચાને નુકસાન કરતા નથી. ત્વચાની સમસ્યા હોય તેમણે તો આ વાતની ખાસ કાળજી રાખવાની. આવા લોકોએ હોળી રમવા પૂર્વે ત્વચા ઉપર યોગ્ય ક્રીમ લગાવી દેવી જોઈએ. ચહેરાના સંવેદનશીલ ભાગ પર રંગનો ઉપયોગ ટાળવો જોઈએ.
જો રંગ લાંબા સમય સુધી વાળમાં રહે તો વાળ ભૂખરા અને સૂકા બની શકે છે. રંગોમાંનાં રસાયણોને કારણે અને ધૂળને કારણે આવું થતું હોય છે. ધખધખતો તાપ અને રંગો હોય તો વાળને જોખમ છે. મૂળમાં કે માથાની ત્વચામાં નુકસાન થતું નથી. પરંતુ વાળ તૂટવાનંુ શરૂ થાય છે. આથી હોળી રમવા પૂર્વે નારિયેળ તેલથી સરસ રીતે માથામાં માલિશ કરી લેવી. વાળ અને રંગો વચ્ચે તેલ પડનું કામ કરે છે. આથી વાળ ધોવામાં પણ આસાની રહે છે. વળી, તેલમાં વાળને સ્વસ્થ અને પોષક બનાવવાના પણ ગુણ છે.
શરીરના ભાગ લઘુતમ ઢંકાઈ જાય એવાં કપડાં પહેરો. રંગીન હોળી માટે સુંદર સફેદ ટી-શર્ટ અને બ્લેન્ક કેન્વાસ પહેરશો તો સામેવાળાને પણ તમને રંગવામાં મજા આવશે.
રંગ લાગે તેમ હોય તો કોલ્ડ ક્રીમ/તેલનો ઉપયોગ કરો. વોટરપ્રૂફ સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરો. હોળીના રંગોથી ત્વચા સૂકી થઈ જતી હોવાથી નખ, પગનાં તળિયાં, કોણી અને શરીરના અન્ય સૂકા ભાગોમાં વેસલિન લગાવો.
હોળી રમાઈ જાય પછી ત્વચા અને વાળમાંથી રંગો સંપૂર્ણપણે સાફ થઈ જાય તે મહત્ત્વનું છે. ત્વચાની પોષકતા માટે સોયાબીન લોટ અથવા બેસનનો લોટ દૂધ સાથે ભેળવીને ઉપયોગ કરો. ગ્લીસરિંગ, સી સોલ્ટ, અરોમા તેલનાં થોડાં ટીપાનું મિશ્રણ કીટાણુંવિરોધી અને ફૂગવિરોધી છે, જે રાસાયણિક રંગોની ખરાબ અસરથી ત્વચાને રક્ષણ આપે છે. રંગો ધોવા માટે ગરમ પાણી અને મોઈશ્ચરાઈઝિંગ સોપનો ઉપયોગ કરવો. આમ છતાં જો રંગ રહી ગયો હોય તો ક્રીમ ક્લીન્ઝર અથવા બેબી ઓઈલથી હળવે હાથે મસાજ કરો.
ત્વચા રંગોથી સંપૂર્ણપણે મુક્ત થાય તે બહુ જ જરૂરી છે. સાબુ વગેરેથી ત્વચાને જોરશોરથી ઘસવાનું ટાળો. ચહેરા પરથી ગુલાલ કાઢવામાં પણ તેવું કરવાનું ટાળો. આને બદલે ક્લીન્સરનો ઉપયોગ કરો. મોઈશ્ચરાઈઝર વધુ ઉપયોગ કરો. ખાસ કરી જેમની ત્વચા સંવેદનશીલ હોય તેમણે આ યાદ રાખવું જોઈએ. મોઈશ્ચરાઈઝર અને ક્રીમનો છૂટથી ઉપયોગ ત્વચા માટે સારો કહેવાય છે. સ્વસ્થ અને પોષક વાળ માટે પોષક હેર ક્રીમનો ઉપયોગ સલાહભર્યું છે.
રંગોનો ઉત્સવ હોળી ફરી એક વખત આવી રહી છે. હોળી જેવો રંગીન, રોમાંચક અને ધમાલ ઉત્સવ બીજો કોઈ જ નથી. આ એક એવો તહેવાર છે જેમાં દરેક જણ રંગોથી રંગાઈ જવાનું પસંદ કરે છે.
આ ઉત્સવ મનોરંજક તો છે, પરંતુ તેમાં કાળજી નહીં લેવામાં આવે તો ત્વચાની સમસ્યાઓ, એલર્જી, ખંજવાળ જેવી તકલીફો ઉદ્દભવી શકે છે. આથી હોળી આનંદઉલ્લાસથી મનાવવા સાથે સુરક્ષિત રીતે મનાવો તે પણ જરૂરી છે અને તે માટે અહીં આપેલા મુદ્દા યાદ રાખવા જેવા છે.
– હેરબેન્ડ : જો વાળ લાંબા હોય તો તે હાથવગું જ રાખો અથવા તો ચોટલો બરોબર બાંધો.
– શેમ્પૂ : તમારા વાળમાંથી રંગો સંપૂર્ણપણે નીકળી જાય તે માટે ઉત્તમ શેમ્પૂનો ઉપયોગ કરો.
– હેર કન્ડિશર્ન્સ : વાળને ઊર્જા અને પોષણ આપવા માટે હેર કંડિશનરનો ઉપયોગ કરો.
– સન ટેન લોશન્સ : સૂર્ય તાપમાં હોળી રમતી વેળા ત્વચાની રક્ષા માટે ગુણવત્તાયુક્ત સનટેન લોશનનો ઉપયોગ કરો.
– મોઈશ્ચરાઈઝર્સ : રંગો સાફ થઈ જાય પછી ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો અને પોષણ આપો.
– વેસલિન : નખ, પગનાં તળિયાં, કોણી જેવા શરીરના ભાગો પર ઉપયોગ કરો.
– કલર રિમુવર : સોયાબીનનો લોટ અથવા બેસનનો લોટ દૂધમાં ભેળવીને પેસ્ટ બનાવીને ઉપયોગ કરો. રંગ સાફ કરવા માટે ગરમ પાણી અને મોઈશ્ચરાઇઝિંગ સોપનો ઉપયોગ કરો. આમ છતાં રંગ બાકી રહી ગયો હોય તો ક્રીમ ક્લીન્ઝર અથવા બેબી ઓઈલથી હળવે હાથે મસાજ કરો.
– પિચકારી : રંગો ઉડાવવા માટે જૂની પિચકારીનો ઉપયોગ કરો.
આશાઓ અને નવી શરૂઆતનો સંકેત આપતી વસંત ઋતુના આગમનનું હોળી એ દ્યોતક છે. હોળીથી ઠંડીના દિવસો પૂરા થઈને ગરમી શરૂ થાય છે. દેશના જુદા જાદુ ભાગોમાં આ તહેવાર વિશે અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે. હોળી સર્વત્ર ઉલ્હાસથી ઉજવાય છે. પરંતુ થોડી કાળજી લેવાથી મોટો અનર્થ ટાળી શકાય છે.