Mumbai,તા.12
ડેરિવેટિવ્સ પોર્ટફોલિઓમાં વિસંગતતા જોવા મળી હોવાની જાહેરાત બાદ ખાનગી ક્ષેત્રની પાંચમી મોટી બેન્ક ઈન્ડસઈન્ડ બેન્કના શેરભાવમાં મંગળવારે ૨૭ ટકાથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગમાં વિસંગતતા બહાર આવતા રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને વેચવાલીનો મારો આવ્યો હતો. મંગળવારે એનએસઈ પર શેરભાવ ઉપરમાં રૂપિયા ૮૧૦.૪૫ અને નીચામાં રૂપિયા ૬૪૯ થઈ રૂપિયા ૬૫૫.૯૫ બંધ આવ્યો હતો. શેરભાવ એક જ દિવસમાં રૂપિયા ૨૪૪.૫૫ અથવા ૨૭.૧૬ ટકા ઘટી ગયો હતો. બેન્કની માર્કેટ કેપ રૂપિયા ૧૮૦૦૦ કરોડ ઘટી રૂપિયા ૫૧૧૦૦ કરોડ પર આવી ગઈ હતી.
બેન્ક દ્વારા આ ડિસ્કલોઝરને કારણે આવકને ફટકો પડવાની એનાલિસ્ટોએ ચેતવણી ઉચ્ચારી છે એટલું જ નહીં બેન્કના નબળા આંતરિક નિયંત્રણ સંદર્ભમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે.
બેન્ક દ્વારા હાથ ધરાયેલી આંતરિક સમીક્ષા દરમિયાન ભૂતકાળના ફોરેકસ વ્યવહાર સંબંધિત હેજિંગ કોસ્ટને બેન્કે નીચી આંકી હોવાનું જણાયું હતું. આ વિસંગતતાને કારણે બેન્કની નેટવર્થ પર રૂપિયા ૧૫૩૦ કરોડની અસર પડવાનો બેન્ક દ્વારા અંદાજ મુકાયો છે.
બેન્ક દ્વારા આ જાહેરાત બાદ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો અને જંગી વેચવાલી આવી પડતા શેરભાવ ૨૦૨૦ના નવેમ્બર બાદની નીચલી સપાટીએ જોવા મળ્યો હતો. બેન્કની અંદર વહીવટી કામકાજ તથા નબળા આંતરિક નિયંત્રણ સામે પણ એનાલિસ્ટોએ ચિંતા વ્યકત કરી છે. બેન્કો દ્વારા ફરજપાલનના પગલાં સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
ડેરિવેટિવ્સ પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નવા માસ્ટર ડાયરેકશન્સ બાદ ૨૦૨૪ના સપ્ટેમ્બર અને ઓકટોબરની વચ્ચે બેન્કને આ વિસંગતતા જણાઈ આવી હતી. સોમવારે બોર્ડ મીટિંગ બાદ બેન્કે આ અંગેની જાણકારી એકસચેન્જોને પૂરી પાડી હતી.
બેન્કના સીઈઓની મુદત રિઝર્વ બેન્કે ત્રણ વર્ષને બદલે માત્ર એક વર્ષ સુધી જ લંબાવતા તેને પણ એનાલિસ્ટો ગંભીર બાબત ગણી રહ્યા છે. ઈન્ડસઈન્ડ બેન્કના આ પ્રકરણને કારણે બેન્ક શેરોમાંથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી શકે છે.
નીચા હેજિંગ ખર્ચને કારણે બેન્કના ચોપડામાં ખોટા મૂલ્યાંકનો મુકાયા હતા. ડેરિવેટિવ પોર્ટફોલિઓ મેનેજમેન્ટ પર રિઝર્વ બેન્કની નવી માર્ગદર્શિકાના પાલન સાથે આ મુદ્દો સંકળાયેલો છે. જણાઈ આવેલી વિસંગતતાની તપાસ કરવા બેન્કે વિગતવાર આંતરિક સમીક્ષા શરૂ કરી છે અને બહારી એજન્સીની પણ નિમણૂંક કરી હોવાનું બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. જો કે બેન્કની નફાશક્તિ અને કેપિટલ એડિકવસી મજબૂત છે અને એક વખતની પ્રતિકૂળ અસરને તે ગ્રહણ કરી શકે એમ છે એવી બેન્કના સંચાલકો તરફથી સ્પષ્ટતા આવી પડી છે. વર્તમાન નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિક અથવા આગામી નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકના પરિણામોમાં આ અસર જોવા મળી શકે છે.
નબળા આંતરિક નિયંત્રણ બાબતે વ્યકત કરાયેલી ચિંતાને કારણે બેન્કના શેરનું રેટિંગ વધુ ઘટી શકે એમ છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષમાં ઈન્ડસઈન્ડ બેન્કે અનેક નકારાત્મક ઘટનાક્રમોનો સામનો કર્યો છે. બેન્કની માઈક્રોફાઈનાન્સમાં તાણ, ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો પહેલા ચીફ ફાઈનાન્સિઅલ ઓફિસર (સીએફઓ)નું રાજિનામુ, ચીફ એક્ઝિકયૂટિવ ઓફિસર (સીઈઓ)ને ત્રણ વર્ષને બદલે એક વર્ષ માટે જ મુદત લંબાવી આપવાના નિર્ણય અને હવે પોર્ટફોલિઓમાં વિસંગતતાને કારણે બેન્કની નેટવર્થને શકય ફટકાનો બેન્ક સામેના પડકારોમાં સમાવેશ થાય છે.
મુંબઈ : ઈન્ડસઈન્ડ બેન્કના પ્રમોટર અશોક હિન્દુજાએ બેન્કની નાણાં સ્થિતિ તંદૂરસ્ત હોવાનું જણાવી જરૂર પડયે બેન્કમાં નવી મૂડી ઠાલવવાની તૈયારી બતાવી હતી. ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગમાં જોવા મળેલી વિસંગતતાને બેન્ક પહોંચી વળી શકે એમ છે એમ તેમણે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.
શેરધારકોએ ગભરાવાની જરૂર નથી. આ સામાન્ય પ્રકારની સમશ્યાઓ હોય છે. બેન્કમાં પ્રમોટરોનો હિસ્સો ૧૫ ટકા પરથી વધારી ૨૬ ટકા કરવાની દરખાસ્ત પર રિઝર્વ બેન્કની મંજુરીની રાહ જોવાઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્કની લીલીઝંડી મળ્યા બાદ પ્રમોટરો જરૂર પડયે બેન્કમાં મૂડી ઠાલવશે એમ તેમણે ઉમેર્યુ હતું.