Ahmedabad,તા.12
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી IKDRC કિડની હોસ્પિટલમાં 297 ભરતી કોઈપણ પ્રકારની જાહેરાત કે પરીક્ષા વિના જ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કિડની હોસ્પિટલમાં 12 નિવૃત્ત સરકારી અધિકારીઓને કોન્ટ્રાક્ટ આધારે મુખ્યમંત્રીની મંજૂરી વગર ઊંચા પગારે નોકરી પધરાવી દેવાઈ છે.
કેગ તેમજ આરટીઆઈના અહેવાલને ટાંકીને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ‘ડૉકટર અઘ્યાપન અધિકારી અને શિક્ષક જેવી ભરતીમાં 58 પૈકી 34 ની ભરતી માટેની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા આવી નથી કે પરીક્ષા લેવામાં આવી નથી. કિડની હોસ્પિટલમાં 1840 જેટલી નિયમિત ભરતી પૈકી માત્ર 451 નિયમિત જગ્યા ભરવામાં આવી છે. વર્ષ 2012 થી વર્ષ 2023 સુધીમાં 192 લોકોની બારોબાર ભરતી કરી દેવામાં આવી છે. વર્ગ-1 માં 19, વર્ગ-2 માં 20, વર્ગ-3 માં 146 અને વર્ગ-4 માં 7 લોકોને હોસ્પિટલે પોતાની વ્યવસ્થાથી નોકરીએ રખાયા છે.’કિડની હોસ્પિટલમાં લાગતા વળગતા અને સગાવાદમાં નોકરી આપવાના કિસ્સા સામે આવ્યા છે. 20 વર્ષે MBBS પૂરૂ કરનારા વિરેન ત્રિવેદીને માત્ર 24 કલાકમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે. વિરેન ત્રિવેદી દ્વારા જુલાઈ 2015 થી 2023 સુધીમાં રિસર્ચ એકેડેમિક એલાઉન્સ જે તેમને મળવા પાત્ર નહોતું છતાં 9.40 લાખ ખિસ્સામાં સેરવી લીધા હતા. તેમની નિવૃત્તિ બાદ ફરી પછી તેમની ઊંચા પગારે કોન્ટ્રાક્ટ ઉપર નિમણૂક આપવામાં આવી અને તેની મંજૂરી પણ લેવામાં નથી આવી.
કેગ નું અવલોકન છે કે, પૂરતા પુરાવા વગર રિસર્ચ એકેડેમિક એલાઉન્સના નામે 12.91 કરોડ રૂપિયા કિડની વિભાગના ફેકલ્ટી અને મેડિકલ અધિકારીઓએ ખેરવી લીધા છે.
- કિડની હોસ્પિટલના ડિરેક્ટર ડૉ.પ્રાંજલ મોદી, વૈભવ સુતરીયા, રાજકીરણ શાહ, દિવેશ એન્જિનિયર અને ઉમંગ ઠક્કર ને નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમ વિરુદ્ધ બઢતી આપવામાં આવી છે.
- ઉમંગ ઠક્કર પાસે અનુસ્નાતક ડિગ્રી નહીં હોવા છતાં નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમ વિરુદ્ધ એસોસિયેટ પ્રોફેસર બનાવી દેવાયા.
- યઝદી વાડિયા જે 12 પાસ અને રેડિયો મેકેનિક ઇલેક્ટ્રોનિક રેડિયોનું સર્ટિફિકેટ ધરાવે છે તેમને સરકારની મંજૂરી વિના સિસ્ટમ મેનેજર બનાવી દીધા. લઘુતમ લાયકાત ન હોવા છતાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પે સ્કેલનો પગાર ચૂકવ્યો.
- પૂરતા પુરાવા વગર રિસર્ચ એકેડેમિક એલાઉન્સના નામે 12.91 કરોડ રૂપિયા કિડની વિભાગના ફેકલ્ટી અને મેડિકલ ઓફિસરોએ સેરવી લીધા.